સિડની  

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી ત્રણ દિવસની પિંક બોલ પ્રેક્ટિસ મેચના ત્રીજા અને આખરી દિવસે ઓસ્ટ્રેલિયા-એ ટીમ ભારત સામેની મેચ ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેકડરમોટ અને વાઇલ્ડરમોઠની સદી મેચ બચાવનારી રહી હતી. ત્રીજો દિવસ પૂર્ણ જાહેર કરાયો ત્યારે ઓસ્ટ્રેલિયા એ ટીમનો સ્કોર ચાર વિકેટે ૩૦૭ હતો. આ અગાઉ ભારતે પ્રથમ ઇનિંગની લીડ સાથે ૪૭૨ રનની જંગી લીડ મેળવી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા-એને ૧૦૮માં ઓલઆઉટ કરીને ૮૬ રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં વિકેટકીપર ઋષભ પંત અને હનુમા વિહારીએ સદી ફટકારીને ટીમના સ્કોરમાં જોરદાર યોગદાન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયા-એ ટીમની બીજા દિવસની શરૂઆત નબળી રહી હતી. પાંચમી ઓવરમાં જ મોહમ્મદ શમીએ ભારતને પ્રથમ સફળતા અપાવી હતી અને માર્કસ હેરિસને પેવેલિયન ભેગો કર્યો હતો. તે પછી મોહમ્મદ સિરાજ અને શમીએ દરેકે એક વિકેટ ઝડપતાં ૧૧ ઓવરમાં ઓસ્ટ્રેલિયા-એ ટીમનો સ્કોર ૨૫ પર ત્રણ થઈ ગયો હતો અને ટીમ ભાર મુશ્કેલીમાં મુકાઇ ગઈ હતી. ત્યારબાદ મેકડરમોટ અને કેરીએ મક્કમ રમત મારફત મજબૂત ભાગીદારી નોંધાવી હતી અને ટીમના સ્કોરકાર્ડને આગળ ધપાવ્યું હતું. ૨૬ ઓવર બાદ ટી બ્રેક પડયો ત્યારે ટીમનો સ્કોર ત્રણ વિકેટે ૮૯ રનનો હતો. ટી બ્રેક બાદ કેપ્ટને ફરીથી બુમરાહના હાથમાં બોલ આપ્યો હતો અને તેણે સુંદર બોલિંગ કરી હતી. બેટ્સમેનોને અનેકવાર બીટ કર્યા હતા અને કેચની શક્યતાઓ સહેજ માટે રહી ગઈ હતી. ૪૦ ઓવર બાદ બન્ને વચ્ચે ૧૭૩ બોલમાં ૧૦૯ રનની ભાગીદારી નોંધાઈ હતી અને બન્ને ખેલાડીઓએ તેમની હાફ સેંચુરી પૂરી કરી લીધી હતી.

હનુમા વિહારીએ ભારતને જોઈતી સફળતા અપાવી હતી અને કેરીને આઉટ કર્યો હતો અને ૪૪ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટે ૧૪૩ હતો. જો કે તે પછી ભારતીય બોલર્સ દબાણને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા અને મેકડરમોટ અને વાઇલ્ડરમોઠે બાજી સંભાળી હતી અને ભારતીય બોલર્સનો મક્કમ પ્રતિકાર કર્યો હતો. ૫૫ ઓવર્સમાં ટીમે ૨૦૦ રન પૂરા કર્યા ત્યારે બન્ને વચ્ચે ૫૮ રનની ભાગીદારી થઇ ચૂકી હતી. ૭૩ ઓવરમાં ૨૮૨ રન નોંધાયા ત્યારે બન્ને ખેલાડીઓએ પોતાની સેંચુરી પૂરી કરવાની સાથોસાથ ટીમને હારમાંથી પણ ઉગારી લીધી હતી. ૭૫ ઓવર બાદ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે ટીમનો સ્કોર ૩૦૭ હતો અને મેકડરમોટ ૧૦૭ રન સાથે અને વાઇલ્ડરમોઠ ૧૧૧ રન સાથે નોટઆઉટ રહ્યા હતા. ભારત તરફથી શમીને બે અને સિરાજ તથા વિહારીને એક-એક વિકેટ મળી હતી.