કિરણ હોસ્પિટલનાં મહિલા તબીબનાં દીકરાનું વેસુની ગોયેન્કા સ્કૂલ સામેથી અપહરણ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   1584

કિરણ હોસ્પિટલમાં ડર્મેટોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. નંદિતા પટેલનાં ચાર વર્ષનાં દીકરાનું અલગ રહેતા પતિએ જી. ડી. ગોયેન્કા સ્કુલનાં દરવાજેથી અપહરણ કર્યું હતું. નાની અને કેરટેકરને ધાક ધમકી આપી અથર્વને બળબજરીથી ખેંચી જનાર ઇશાન તથા તેને સપોર્ટ કરનાર તેના માતા-પિતા સામે ડો.નંદિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પીપલોદ સ્થિત આશીર્વાદ બંગલોમાં ડો.નંદિતા તેમના પિતા ક્રિષ્નગોપાલ પટેલ સાથે રહે છે. કિરણ હોસ્પિટલમાં ડર્મેટોલોજિસ્ટ તરીકે નોકરી કરતી નંદિતાનાં લગ્ન જુલાઇ ૨૦૨૧માં ઇશાન દુષ્યંત પટેલ (રહે.૧૦૦૨, રસીકવિલા એપાર્ટમેન્ટ, વાસ્તુગ્રામ બિલ્ડિંગની સામે, વેસુ) સાથે થયાં હતાં. લગ્ન બાદ નંદિતા સાસરે પતિ અને સાસુ રોહિણીબેન અને સસરા દુષ્યંતભાઇ સાથે રહેવા માંડી હતી.

ઇશાન સાથેના દાંપત્ય જીવનમાં તેમને નવેમ્બર ૨૦૨૨માં એક પૂત્ર થયો હતો, જેનું નામ અથર્વ રાખવામાં આવ્યું હતું. લગ્નના થોડા સમય બાદથી જ પતિ ઇશાન દ્વારા નંદિતાને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. દરમિયાન ૧ એપ્રિલ, ૨૦૨૪નાં રોજ દીકરા અર્થને સ્કુલ મૂકવા બાબતે ઇશાન અને નંદિતા વચ્ચે મોટો ઝઘડો થયો હતો. જેમાં ઇશાને નંદિતાને દીકરા સાથે પહેરેલા કપડે કાઢી મૂકી હતી. દીકરા સાથે પિયરમાં રહેતી નંદિતા દ્વારા પતિ ઇશાન વિરૂદ્ધ છુટાછેડાની દાવા અરજી તથા ઘરેલુ હિંસા અંગે ફોજદારી કેસ કર્યો હતો, જે તમામ લીટીગેશન હાલ પેન્ડિંગ છે.

નંદિતાએ દીકરા અથર્વને એપ્રિલ-૨૦૨૫થી જી. ડી. ગોયેન્કા ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્લેગૃપમાં એડમિશન અપાવ્યું હતું, જેને શાળાએથી મૂકવા અને લાવવાનું કામ નંદીતાના માતા-પિતા તથા કેરટેકર સોનલ કરતા આવ્યા છે. ૨૯મી જુલાઇ ૨૦૨૬ ના રોજ બપોરે એક વાગ્યે અથર્વને શાળાએ લેવા માટે નંદિતાની માતા દક્ષાબેન તથા કેરટેકર સોનલ ગઇ હતી. જ્યાંથી દક્ષાબેને નંદીતાને કોલ કરી જણાવ્યું હતું કે,

હું શાળાની બહાર ગાડી પાસે હતી અને સોનલ અથર્વને શાળામાંથી લઇને બહાર આવી હતી. એ વખતે અચાનક ઈશાન આવી ગયો હતો. તેણે અથર્વને બળજબરીપૂર્વક ખેંચી લીધો હતો.

નાની અને કેરટેકરને ધાક ધમકી આપી ઇશાન માસૂમ અથર્વને બળજબરીથી પોતાની સાથે લઇ અર્ટિગા કારમાં જતો રહ્યો હતો. આ કોલ બાદ ડો. નંદિતા કિરણ હોસ્પિટલથી નીકળી જી. ડી. ગોયેન્કા સ્કૂલ પહોંચી હતી. જ્યાંથી તેણીએ પતિ ઇશાન તથા તેના માતા-પિતાનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તમામના મોબાઈલ બંધ આવતાં હતાં. ઇશાન અને તેના માતા-પિતા માસૂમ અથર્વને લઇ ક્યાંક ભાગી ગયાનું જણાતાં નંદિતાએ પોલીસનો સંપર્ક કરી અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution