દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય પ્રદેશના સ્ટ્રીટ વેન્ડર્સને પીએમ મોદીએ જણાવ્યું કે જાે તમે ડિજિટિલ લેવડ-દેવડ તરફ વળશો તો સરકાર દ્વારા તમારા એકાઉન્ટમાં ઈનામ સ્વરૂપે કેટલીક રોકડ કેશબેક તરીકે મોકલવામાં આવશે. ભારત સરકારે 1 જૂન 2020ના વડાપ્રધાન સ્વનિધિ યોજનાની શરૂઆત કરી હતી. કોરોના વાયરસ લોકડાઉનથી પ્રભાવિત આવા નાના દુકાનદારોને મદદ કરવા અને પુનઃ રોજગાર ઉપલબ્ધ થાય તે માટે આ યોજના શરૂ કરાઈ હતી.

વડાપ્રધાન મોદીએ સ્ટ્રીટ વેન્ડર્સને કોરોના સમયમાં સતર્ક રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે તમે જ્યારે અનલોક ફેઝમાં નવા જાેશથી વ્યવસાય શરૂ કરી રહ્યા છો, ત્યારે તમારે કેટલીક સાવચેતી રાખવી પડશે. કોરોનાની રસી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમારે સ્વયં અને ગ્રાહકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે. માસ્ક, સ્વચ્છતા, દો ગજ દૂરી, આ તમામ બાબતોને અપનાવવી પડશે.

પીએમએ વધુમાં જણાવ્યું કે દેશમાંથી ગરીબી નાબૂદ કરવા અનેક વાતો કરવામાં આવી પરંતુ જે પ્રકારનું આયોજન વિતેલા છ વર્ષમાં થયું છે અને થયેલા કાર્યો, નવી પહેલ સહિતના પગલાં અગાઉ ક્યારેય નથી લેવાયા. સરકારની યોજનાઓનો ખરા અર્થમાં લાભ હવે ગરીબોને મળી રહ્યો છે. ગરીબોનું જન ધન એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું, તેમને કોઈ લાંચ વગર ઘર મળી રહ્યા છે, રસોઈ ગેસનું સિલિન્ડર મળે છે. ટૂંક સમયમાં દેશના ગામડાઓ પણ ઓનલાઈન માર્કેટથી જાેડાઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 3-4વર્ષથી ડિજિટલ લેવડ-દેવડનું ચલણ વધ્યું છે. ગ્રાહકો પ્રવર્તમાન પરિસ્થિતિમાં કેશ લેવડ દેવડ કરવાનું ઓછું પસંદ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે નાના ધંધાર્થીઓ પણ ડિજિટલ પેમેન્ટની બાબતે પીછેહઠ ના કરે. બેન્કો અને ડિજિટલ પેમેન્ટ સુવિધા પ્રાદન કરનારા સાથે મળીને એક નવી શરૂઆત કરે. બેન્કો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ ઠેલા કે રેકડીવાળા પાસે આવીને તેમને ઊઇ કોડ આપશે. આનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સમજાવશે. સ્વનિધિ યોજનામાં વ્યાજમાં સાત ટકા છૂટ આપવામાં આવે છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે કેટલીક અન્ય બાબતોનું ધ્યાન રાખ્યું તો સરકાર તમારા ખાતામાં પ્રોત્સાહન સ્વરૂપે કેટલાક રૂપિયા પણ આપશે. આમ ઋણ વ્યાજમુક્ત થઈ જશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું.