દિલ્હી-

તાજેતરમાં કેટલાક વિદેશી રિપોર્ટસમાં ભારતનુ લોકતંત્ર નબળુ પડી રહ્યુ હોવાનુ કહેવામાં આવ્યુ હતુ. અમેરિકાની સંસ્થા ફ્રિડમ હાઉસ અને સ્વીડીશ સંસ્થા વી ડેમોક્રેસીના આ રિપોર્ટ પર હવે વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન આપ્યુ છે.જયશંકરે એક ચેનલ સાથેની મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે, આ એક પ્રકારનુ પાખંડ છે.આ સંસ્થાઓ પોતાને દુનિયાના કસ્ટોડિયન સમજે છે અને તેમને પેટમાં દુખી રહ્યુ છે કે ભારતમાં તેમના અભિપ્રાયની કોઈ ગણતરી નથી.તેઓ પોતાના હિસાબે નિયમ બનાવે છે અને પોતાની રીતે જ ચુકાદો આપે છે.આ સંસ્થાઓ પાછો દેખાડો કરે છે કે જાણે તેઓ વિશ્વ સ્તરનુ કોઈ કાર્ય રિપોર્ટ બનાવીને કરી રહ્યા છે.

જયશંકરે કહ્યુ હતુ કે, આ સંસ્થાઓ ભાજપને હિન્દુ નેશનાલિસ્ટ પાર્ટી ગણાવે છે, આ જ પાર્ટીની સરકારે ૭૦ દેશોને કોરોનાની વેક્સીન આપી છે.ભારતની ચૂંટણી વ્યવસ્થા પર કોઈ સવાલ નથી ઉઠાવતુ, આ સંસ્થાઓ જે દેશોમાં છે તેના માટે આવુ કહી શકાય તેમ છે ?ભારતમાં દરેકની આસ્થા અલગ અલગ છે પણ આપણે ત્યાં કોઈ ધાર્મિક પુસ્તક હાથમાં લઈને સોગંદ નથી લેવાતા મને મારા દેશ પર ભરોસો છે અને મને બહારના સર્ટિફિકેટની કોઈ જરુર નથી અને ખાસ કરીને એવા લોકો પાસેથી તો નહીં જ જેમના પોતાના એજન્ડા છે. ચીન અંગેના સબંધો પર તેમણે કહ્યુ હતુ કે, જે રીતે આપણે ચીનનો મુકાબલો અત્યારે કર્યો તે પાંચ વર્ષ પહેલા શક્ય નહોતુ.આપણે પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવ્યુ છે.ચીન સાથે સબંધો ત્યારે જ સામાન્ય થશે જ્યારે બોર્ડર પર શાંતિ હશે.ચીન દોસ્તીનો હાથ લંબાવશે તો ભારત પણ દોસ્તીનો હાથ લંબાવશે અને ચીન બંદુક બતાવશે તો ભારત પણ એવુ જ કરશે.