મુંબઇ 

સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણ કોરોના વાઈરસનો શિકાર બન્યા છે, આ વાતની જાણકારી એક્ટરે પોતને પોતાના ફૅન્સને આપી છે. રામ ચરણે સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર દ્વારા જણાવ્યું કે તેનો કોવિડ-19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે અને હાલ તેઓ હૉમ ક્વૉરન્ટીન થયા છે.

એક્ટરે પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. જોકે મારામાં એના કોઈપણ લક્ષણો દેખાઈ નથી રહ્યા, પરંતુ મેં પોતાને હૉમ ક્વૉરન્ટીન કરી લીધો છે. આશા છે કે હું જલદી ઠીક થઈ જઈશ અને વધારે મજબૂત થઈને બહાર આવીશ. પોતાના પોસ્ટ સાથે સુપરસ્ટારે એવી વિનંતી પણ કરી છે કે, જે લોકો છેલ્લા કેટલાક દિવસથી મારી સાથે અથવા તો મારી આસપાસ રહ્યા છે, તેઓ પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. હું મારી રિકવરી વિશે તમને અપડેટ આપતો રહીશ.

તાજેતરમાં જ રામ ચરણે તેના મિત્રો અને પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. અભિનેતા દ્વારા તેના ઈન્સ્ટાગ્રામ પર ઉજવણીના કેટલાક ફોટોઝ પણ શૅર કરાયા હતા, જેમાં અભિનેતાની પત્ની ઉપસના કામિનેની, અલ્લુ અર્જુન, નિહારિકા કોનિડેલા અને તેના કેટલાક મિત્રો જોવા મળ્યા હતા. આ પહેલા રામ ચરણ તેની કઝિન સિસ્ટર નિહારિકાના લગ્નમાં હાજર રહ્યો હતો. નિહારિકાના લગ્નમાં રામ ચરણના ડાન્સના કેટલાક ફોટોઝ પણ સામે આવ્યા હતા.