રાહ જોવાતી આ ક્ષણોમાં થિયેટર્સમાં નવી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હી સહિત દેશના તમામ મલ્ટીપ્લેકસ દર્શકોનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ રહ્યા છે. અનલોક-૩ની માર્ગદર્શિકા હેઠળ સંભાવના છે કે ઓગસ્ટના પ્રથમ સાહમાં જીમ, મૂવી થિયેટર, સભાગારને અમુક શરતો સાથે ખોલવા દેવામાં આવશે.

કોરોના કાળમાં અન્ય ઈન્ડસ્ટ્રીઓની જેમ બોલિવૂડનો ધંધો પણ ઠપ્પ ગયો છે. અનલોક-૨માં પણ સિનેમાઘરો અને જીમ કલબોને ખોલવાની પરવાનગી કેન્દ્ર સરકારે નહોતી આપી પરંતુ હવે અનલોક-૩ની જાહેરાત પહેલાં સિનેઘરોના માલિક આશા રાખી રહ્યા છે કે આ વખતે સરકાર તેમના પ્રત્યે દયા દ્રષ્ટિ રાખશે.

આ માટે ફિલ્મરસિકની અંદર પૂર્ણ સુરક્ષાનો અહેસાસ અને વિશ્ર્વાસ ભરવો જરૂરી છે. મુખ્ય દરવાજેથી જ સાવધાનીની વ્યવસ્થા જેમ કે સેનેટાઈઝિંગ, થર્મલ ચેક, ટચલેસ ફ્રિસ્કિંગ એટલે કે તલાશી ઉપરાંત માસ્ક, પીપીઈ કિટની પણ વ્યવસ્થા કરાશે. દરેક દર્શકના મોબાઈલ ફોનમાં આરોગ્ય સેતુ એપ અને તેનું અપડેટેશન, મોઢા પર માસ્ક, હાથમાં ગ્લવ્ઝ અને હાથ સેનિટાઈઝ થયા બાદ જ મલ્ટીપ્લેકસ અથવા સિનેમાહોલમાં એન્ટ્રી મળશે.નવી વ્યવસ્થા હેઠળ પેપરવાળી ટિકિટ ઈતિહાસ બની ચૂકી છે એટલા માટે મૂવીની ટિકિટ પેપર લેસ હશે પછી તે ઓનલાઈન હોય કે પછી બોકસ ઓફિસે જઈને ખરીદી હોય...ટિકિટ એસએમએસ દ્રારા આવશે જેના પર અલગ અલગ લીન્ક હશે.

ટિકિટના એસ.એમ.એસ. અને લિન્ક દ્રારા જ એન્ટ્રી અને સીટની માહિતી તેમજ ખાવા-પીવાના સામાનની ખરીદીની વ્યવસ્થા કરી શકાશે. દર્શકો ઈચ્છે તો એકલા આવે અથવા પરિવાર તેમજ ગ્રુપ સાથે આવે પરંતુ એક વ્યકિત સીટ પર બેઠા બાદ તેની બાજુની સીટ ખાલી જ રખાશે. દરેક શો બાદ આખો થિયેટર હોલ ફોગિંગ દ્રારા સેનેટાઈઝ કરવામાં આવશે. આ કારણથી બે શો વચ્ચે ૩૦થી ૪૦ મિનિટનો અંતરાલ આવશે. ઈન્ટરવલ દરમિયાન પણ હોલની હવા બદલાવવામાં આવશે.