સુરત-

ગુજરાત રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના દિકરા પ્રકાશને લોકડાઉનનું ઉલ્લંઘન કરવાને લઈને આડે હાથ લેનારી પોલીસ જવાન સુનીતા યાદવની સમસ્યા કફોડી થઈ ગઈ છે. તેમની વિરુદ્ધ બે અન્ય તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલા તેમની વિરુદ્ધ તપાસ ચાલી જ રહી હતી. હવે સુનીતા વિરુદ્ધ કુલ ત્રણ મામલે તપાસ થઈ રહી છે. બીજી બાજુ, સુનીતા યાદવે દાવો કર્યો છે કે, મેં મારા પદ પરથી ક્યારનું રાજીનામું આપી દીધું છે. સુનીતા પર આરોપ છે કે, તે લોકોને રોડ પર ઉઠક-બેઠક કરાવતા હતા. એને કારણે તેમની વિરુદ્ધ તપાસ શરુ કરવામાં આવી છે. તો બીજો આરોપ તેમના પર 9 જૂલાઈથી પોતાની ડ્યૂટી પરથી ગાયબ થવાનો મૂકાયો છે. આ ઉપરાંત તેમની વિરુદ્ધ મંત્રીના દીકરાને શિક્ષા કરવાના મામલે તપાસ જ ચાલી રહી છે.

સુનિતા વિરુદ્ધ સુરતના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે તપાસનો આદેશ આપ્યો છે. કહેવાય છે કે, 8 જુલાઈના રોજ કાનાણીના દીકરા સાથે થયેલા વિવાદના બીજા દિવસથી એટલે કે 9 જુલાઈથી સુનિતા ડ્યુટી પર જતાં નથી. સુનીતા યાદવે કહ્યું કે, હું મારા પદ પરથી રાજીનામું આપી ચૂકી છું.

સુનિતા યાદવ વિરુદ્ધ ત્રણેય આરોપોની તપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર જે.કે. પંડ્યા દ્વારા કરવામાં આવી રહી છે. સુનીતાએ પોતાને જીવનું જોખમ હોવાની વાત જણાવી છે. એટલે એમને સુરક્ષા માટે બે સશસ્ત્ર ગાર્ડ પણ આપવામાં આવ્યા છે.

સુનીતાએ કહ્યું છે કે, મારાં વરિષ્ઠ અધિકારીઓ પાસેથી સહયોગ ન મળ્યો અને એટલે મેં રાજીનામું આપી દીધું છે. હું એક સિપાહી તરીકે મારું કામ કરી રહી હતી. આ આપણી વ્યવસ્થાનો દોષ છે કે, આવા લોકો વિચારે છે કે તેઓ વીવીઆઈપી છે. બીજી બાજુ, પોલીસ કમિશનરે કહ્યું છે કે, સુનીતાની પૂછપરછ હજી ચાલી રહી છે. નિયમ અનુસાર તે અત્યારે રાજીનામું આપી શકે નહીં.