વડોદરા : શહેર નજીક આવેલા ગોસીન્દ્રા ગામની સોનાની લગડી જેવી જમીન પર કબજાે મેળવવા માટે ઠગ ટોળકીએ ગોસીન્દ્રા ગામના તલાટી કમ મંત્રીની મદદથી સરકારી દસ્તાવેજાેમાં ચેડા કરીને બોગસ ખેડુત બન્યા હોવાની ચોંકાવનારી વિગતો કલેકટર કચેરી દ્વારા કરાયેલી તપાસમાં સપાટી પર આવતા તાલુકા વિકાસ અધિકારીએ ગોસીન્દ્રા ગામના પુર્વ તલાટી કમ મંત્રી વિરુધ્ધ વરણામા પોલીસ મથકમાં ઠગાઈ અને બોગસ દસ્તાવેજાે બનાવી એકબીજાને મદદગારી કરવાની ફરિયાદ નોંધાવી હતી. 

વરણામા પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ શહેર નજીક આવેલા ગોસીન્દ્રા ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં ચેડા કરીને વારસાઈની નોંધના પાનાની અદલાબદલી કરાઈ હોવાની કલેકટ કચેરીમાં ફરિયાદ થઈ હતી. આ અંગેની કોર્ટ દ્વારા સુઓમોટો દાખલ કરી સમગ્ર બનાવની તપાસ માટે આદેશ કરાયો હતો જેની વડોદરાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા શંકાસ્પદ દસ્તાવેજાેની ચકાસણી હાથ ધરાઈ હતી. ચકાસણી દરમિયાન એવી વિગતો મળી હતી કે ગોસીન્દ્રા ગ્રામ પંચાયતના તત્કાલીન તલાટી કમ મંત્રી મનોજ ત્રિભોવનભાઈ ચૈાધરી (ક્રિષ્ણાપાર્ક સોસાયટી, વૃંદાવનચોકડી પાસે, વાઘોડિયારોડ)એ તેમના ફરજ દરમિયાન ગત ઓગસ્ટ-૨૦૦૨થી ઓક્ટોબર-૨૦૦૭ના સમયગાળામાં કિંમતી જમીનો પડાવી લેવા માટે તેમના મળતિયાઓને બોગસ ખેડૂત બનાવવાનો કારસો રચ્યો હતો. પુર્વ તલાટી કમ મંત્રી અને તેઓના સાગરીતોએ આયોજનબધ્ધ રીતે ગોસીન્દ્રા ગ્રામ પંચાયતના રેવન્યુ રેકર્ડમાં ગામ નમુના ૬ના હક્કપત્રની બુકના પાન નંબર-૭ પર પાડવામાં આવેલી ફેરફાર નોંધ નંબર ૩૧૯૬ જે ઈલિયાસહુસૈન હબીબમીંયા મૈયતના સીધી લીટીના વારસદારોની જમીનમાં વારસાઈની નોંધ પાડી હતી તે નોંધના પેજ પર મનોજ ચૈાધરીએ ચેડા કરી તે પેજ બદલી નાખ્યું હતું અને તે પેજની જગ્યાએ બીજુ પેજ લગાવી દીધું હતું અને આ નોંધના આધારે ગોસીન્દ્રા ગામની બ્લોક ૧૮૬વાળી જમીનમાં નંદુબા ભગવાનસંગ પરમારના વીલની નોંધ કરી ૮ બિનખેડૂત ઈસમોને ખેડૂત બનાવી દીધા હતા. બિનખેડૂતોને સરકારીચોપડે ખેડૂત બનાવતા જમીનના માલિક સરદારસંગ ભગવાનસંગ પરમારે ગોસીન્દ્રા ગામની સીમના બ્લોક ૧૬૫વાળી જમીન વિરેન કાન્તીલાલ શાહ વિગેરેને વેંચાણ દસ્તાવેજથી વેંચાણ કરી હતી. આ રીતે નંદુબા પરમાની વીલના આધારે કુલ ૧૩ બિનખેડૂત ઈસમોની વીલ આધારે વારસાઈ કરી રેકર્ડ સાથે ચેડી કરી ખોટા પુરાવા ઉભા કરાયા હતા. આ વિગતોના પગલે તાલુકા વિકાસ અધિકારી ડી.આર.અધિકારીએ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં નિવૃત્ત ગોસીન્દ્રાના પુર્વ તલાટી કમ મંત્રીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.