વડોદરા

જલારામબાપાની ૨૨૧મી જયંતીની શહેરના કારેલીબાગ, સમા, માંજલપુર, સુભાનપુરા મંદિરોમાં સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કારેલીબાગ જલારામ મંદિરમાં ભક્તોને પ્રવેશબંધી કરવામાં આવી હતી. પરંતુ દર્શન માટે મંદિરની બહાર બે મોટા સ્ક્રીન મૂકવામાં આવ્યા હતા. જ્યારે બીજા મંદિરોમાં સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શહેરમાં દર વરસે જલારામબાપાની જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે અને શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાય છે. પરંતુ આ વરસે જલારામબાપાની ૨૨૧મી જન્મજયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કારેલીબાગ સ્થિત જલારામ મંદિર ખાતે કોરોનાને કારણે ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરંતુ મંદિરની બહાર લગાવવામાં આવેલા મોટા સ્ક્રીન પર ભક્તોએ સંતશિરોમણી જલારામબાપાના દર્શન કર્યા હતા. જલારામ જયંતી નિમિત્તે વિશેષ પાદુકાપૂજન અને ૨૨૧ દીવડાંની મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે સમા, માંજલપુર વિસ્તારમાં આવેલા જલારામબાપાના મંદિરે સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન કર્યા હતા. કોરોનાના કારણે છેલ્લા ૧૮ વર્ષથી યોજાતી શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. આમ, કારેલીબાગ સહિત વિવિધ જલારામબાપાના મંદિરોમાં અત્યંત સાદગીપૂર્વક જલારામબાપાની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.