સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૭૨મો ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, સપ્ટેમ્બર 2026  |   3960

નર્મદા જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-૨૦૨૪નો ભવ્ય સમારોહ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાનાર છે.રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના ૭૦ વર્ષથી વધુના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હીની બહાર આ પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે, જે ગુજરાત અને નર્મદા જિલ્લા માટે વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે.

ભારતીય સિનેમા જગતમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને સન્માનિત કરતા આ રાષ્ટ્રીય સમારોહમાં કુલ ૯૨ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આશરે ૭૫ મિનિટના ભવ્ય સમારોહમાં પુરસ્કારો એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રીય કક્ષાના આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ-બે એરિયા ખાતે જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ તૈયાર કરવામાં આવશે.કાર્યક્રમ સ્થળે અંદાજે ૧,૦૦૦ મહેમાનોની બેઠક ક્ષમતા સાથે જરૂરી માળખાકીય અને અન્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જેવા અતિમહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું સુચારૂં અને ગરિમાપૂર્ણ આયોજન થાય તે માટે નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થા, સુરક્ષા, પ્રોટોકોલ, મહાનુભાવોના આગમન-પ્રસ્થાન, સ્થળ વ્યવસ્થા તેમજ અન્ય આનુષંગિક તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution