/
GTUની બેઠકમાં લેવાયો આ નિર્ણય, આ વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક

અમદાવાદ-

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે એકેડમિક કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં ન્યૂ એજ્યુકેશન પોલીસીને એકેડમિક કાઉન્સિલના તમામ સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વીકારીને તેના જુદા જુદા વર્ટિકલ પૈકી ક્રેડિટ ટ્રાન્સફર, ક્રેડિટ બેન્ક અને મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટની રૂપરેખા તૈયાર કરવા માટે જીટીયુ ખાતે ટાસ્ક ફોર્સની રચના કરીને 30 દિવસમાં ઠરાવ આધારિત રિપોર્ટ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તૈયાર કરાયેલ રિપોર્ટને આગામી દિવસોમાં રાજ્ય સરકાર, AICTE અને UGCને પણ મોકલવાનો નિર્ણય પણ કરાયો છે.

ન્યૂ એજ્યુકેશન પોલીસી- 2020ના સૂચન મુજબ GTU ખાતે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેકનોલોજી શરૂ કરવા અને ચાલુ વર્ષથી જ એમ.ફિલ કોર્સ બંધ કરવાનો સૈદ્ધાંતિક સ્વિકાર કરાયો હતો. નિયત સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ ન કરેલ વિદ્યાર્થીઓની વધુ એક તક આપવાની રજૂઆતને સ્વીકારીને યુજીસીના માર્ગદર્શન પ્રમાણે આગળની કાર્યવાહી કરવાનું પણ નક્કી કરાયું છે. 

જીટીયુની પીજી સ્કૂલ અને સંલગ્ન સંસ્થાઓમાં ટીચિંગ અને લર્નિંગની ગુણવત્તા સુધારવાના સંદર્ભે દરેક સંસ્થામાં એકેડમીક ઓડિટ કરાશે. તેમજ સંલગ્ન તમામ સંસ્થાઓએ 2022 સુધીમાં ઓછામાં ઓછા 1 પ્રોગ્રામ માટે NBA અથવા સંસ્થાનું NAAC એક્રિડેશન કરાવવાનું રહેશે. તેમજ 1 થી વધારે પ્રોગ્રામ માટે 2025 સુધીમાં NBA એક્રિડેશન કરાવવાનું રહેશે. 

GTU સંલગ્ન તમામ કૉલેજે 31 ડિસેમ્બર સુધી ઈન્ટર્નલ ક્વૉલિટી એસ્યોરન્સ સેલની પણ રચના કરવા આદેશ કરાયો છે. AICTEની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ઇમર્જિંગ એરિયામાં નવા કોર્સ શરૂ કરવા માંગતી સંસ્થાઓના જોડાણ માટેના માપદંડો પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યા હતા.. જીટીયુ સંલગ્ન સંસ્થાઓમાં અધ્યાપકોની માન્યતા માટેના માપદંડો અને મંજૂર થયેલા ઈન્ટેકના પ્રમાણમાં AICTEની માર્ગદર્શિકા મુજબ 1 : 2 : 6નો રેશિયો જળવાતો ના હોય તો, નિયોમોનુસાર પગલા ભરવાનું નક્કી કરાયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution