ભુજ-

કોરોનાના કહેરને પગલે ચાલુ સાલે બોર્ડની પરીક્ષા માર્ચના બદલે મે માસમાં યોજાય તેવી શકયતાઓ છે. જીએસઈબી દ્વારા સત્તાવાર જાહેરાત કર્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે જો કે તે પૂર્વ શિક્ષણતંત્ર દ્વારા તૈયારીઓનો સળવળાટ શરૂ કરી દીધો છે. કચ્છમા સ્કૂલ રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે જ તેવી જાહેરાત અગાઉ જ કરી દીધી છે. બોર્ડના છાત્રો માટે ૧૧મી જાન્યુઆરીથી જ શાળાઓ શરૂ થઈ છે. બોર્ડની પરીક્ષા છાત્રોના ભાવિ માટે અતિ મહત્વની હોઈ વિદ્યાર્થીઓના અભ્યાસ અને તૈયારીઓ પર કોઈ વિપરીત અસર ન પહોંચે તે માટે પરીક્ષા માર્ચને બદલે સંભવતઃ મે માસમાં યોજાશે.કચ્છ જિલ્લાની વાત કરીએ તો શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા માટે સેન્ટર નિર્ધારીત કરવા શાળાઓની યાદી તૈયાર કરવાની કામગીરી અગાઉ જ આરંભી દેવાઈ છે. કોરોનાને પગલે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા યોજવાની થશે જેના લીધે બિલ્ડીંગ, બ્લોકની સંખ્યા પણ વધશે. હાલે સ્કૂલ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. શાળા કક્ષાએથી તમામ માહિતી અપલોડ કરવામાં આવી રહી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા સંપન્ન થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓથી વેરીફિકેશન કામગીરી હાથ ધરવામાં આવશે.