આણંદ, તા.૨૭ 

પહેલી રાખી દેશપ્રેમ કી અભિયાન અંતર્ગત ગુજરાતના ૧૮,૦૦૦ ગામડાંઓથી ૩૦,૦૦૦ જેટલી રાખડીઓ એકત્ર થઇ છે. આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાંથી સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્વયંસેવકો દ્વારા સરહદ પર તૈનાત સેનાની ત્રણેય પાંખો થલ, જલ અને નભના સૈનિકો માટે ૧૫૭૩ રાખડીઓ સાથે ૧૫૭૩ પત્રો મોકલવામાં આવશે. 

સૂત્રોનું જણાવવું છે કે, આ અભિયાન હેઠળ થલ સેનાના સૈનિકો માટે સિયાચેન, ગલવાન, બનાસકાંઠા, ઉરી, કચ્‍છ અને જેસલમેર રાખડીઓ મોકલાશે. એરફોર્સ (નભ)ના જવાનો માટે જામનગર, ભૂજ, પઠાણકોટ, નલિયા, શ્રીનગર અને મકરપુરા-વડોદરા રાખડીઓ મોકલવામાં આવશે, જ્યારે નેવીના સૈનિકો માટે ઓખા, પોરબંદર, મુંબઇ, લક્ષદ્વીપ, વિશાખાપટ્ટનમ અને આંદમાન-નિકોબાર ટાપુ પર મોકલવામાં આવશે. 

દેશના સીમાડાઓની રક્ષા કરતાં સૈનિકોની રક્ષા માટે કોઇ સીમાડા નડતાં નથી.  દેશની રક્ષા કાજે સૈનિકો માટે જિલ્લાની તમામ ધર્મની બહેનોએ રાખડીઓનું પૂજન કરી દરેક રાખડી સાથે એક પત્ર મોકલ્યો છે. અત્રે ઉલ્‍લેખનીય છે કે, પહેલી રાખી દેશપ્રેમ કી અભિયાન અંતર્ગત આણંદના સાંસદ મિતેષભાઇ પટેલનાં પત્‍નીએ પણ રાખડી મોકલાવી છે. જિલ્‍લા-તાલુકા નગરના પ્રતિનિધિઓએ જિલ્‍લામાંથી બહેનો પાસેથી રાખડી અને પત્ર એકત્ર કર્યાં હતાં. આ ૧૫૭૩ રાખડીઓ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે પૂજન કરી એકત્ર કરીને મોકલવામાં આવી રહી છે. જિલ્લામાં આ કાર્યક્રમ થકી દેશભક્તિના વાતાવરણનું નિર્માણ થયું છે.