વડોદરા, તા. ૧૩

રાજયમાં ખેડામાં નશાકારક કફ સિરપના કારણે સાત લોકોના મોતના બનાવના ગણતરીના દિવસોમાં જ ફરી અમદાવાદમાં કફ સિરપના નામે નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે. અમદાવાદ જિલ્લા એસઓજીની ટીમે ગત રાત્રે વટામણ ચોકડી પાસેથી રિક્ષામાં નશાકારક કફસિરપનો જથ્થો લઈને જતા વડોદરાના બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ જથ્થો વડોદરાના સુભાનપુરા વિસ્તારની મેડિકલ શોપના સંચાલકે આપ્યો હોવાની વિગતો મળતા પોલીસે મેડિકલ શોપના સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ જિલ્લા એસઓજીની ટીમને માહિતી મળી હતી કે બે યુવકો વડોદરાથી ઓટોરિક્ષામાં શંકાસ્પદ નશાકારક કફ સિરપનો જથ્થો લઈને વટામણ ચોકડી તરફ જઈ રહ્યા છે. આ વિગતોના પગલે એસઓજીની ટીમે વટામણ ચોકડી પર વોચ ગોઠવી હતી અને માહિતી મુજબની રિક્ષા આવતા જે તેને આંતરીને ઉભી રખાવી હતી. પોલીસે રિક્ષામાં તપાસ કરતા રિક્ષામાં બેઠેલા બે યુવકો પાસેથી કફ સિરપની રૂપિયા ૮૮,૫૦૦ની કિંમતની કુલ ૫૯૦ બોટલો મળી આવી હતી.

પ્રાથમિક તપાસમાં કફસિરપની બોટલની આડમાં નશાકારક પ્રવાહીની બોટલોની હેરફેર થતી હોવાની વિગતો મળતાં પોલીસે નશાકારક સિરપની બોટલોની હેરફેર કરતાં ઝડપાયેલા શકીલ સલીમભાઇ શેખ (રહે. ૧૩, જલારામ પાર્ક, નુરાની મહોલ્લો, આજવા રોડ, વડોદરા) અને પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ (રહે. ૫૩, મહેશ્વરી સોસાયટી, લાલ અખાડા પાસે, વારસીયા, વડોદરા)ની ધરપકડ કરી હતી. આ બંનેએ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આનંદવન કોમ્પ્લેક્સ પાસે ઉતંગ બિલ્ડીંગમાં આવેલી ૩૦ નંબરની મેડિકલ શોપ ધરાવતા રાજેશકુમાર ઉર્ફ રાજુ પટેલ પાસેથી આ જથ્થો લાવ્યાની કબૂલાત કરી હતી. આ વિગતોના પગલે અમદાવાદ જિલ્લા એસઓજીની ટીમે વડોદરામાં રાજુની ઉતંગ બિલ્ડિંગ સ્થિત શોપ કમ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જાેકે રાજુને આ દરોડાની જાણ થતાં તે શોપ કમ ગોડાઉનને તાળાં મારી ફરાર થઈ જતા અમદાવાદ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

રાજેશ પટેલના નામે ફૂડ એન્ડ ડ્રગ્સમાં મેડિકલ શોપની નોંધણી

વડોદરાથી નશાકારક કફસિરપનો જથ્થો અમદાવાદ મોકલાયો હોવાની વિગતો મળતા વડોદરા એસઓજીની ટીમ પણ એકશનમાં આવી હતી. એસઓજીના પીઆઈ એસ વી પટેલે તપાસ કરી હતી જેમાં સુભાનપુરાના ઉતંગ બિલ્ડિંગમાં મેડિકલ શોપ અને ગોડાઉન ધરાવતા રાજેશકુમાર ઉર્ફ રાજુ જયંતિલાલ પટેલના નામે મેડિકલ શોપની વડોદરા ફૂડ એન્ડ ડ્રગ્સમાં નોંધણી કરાઈ હોવાની વિગતો મળી હતી.

૧૫૦ રૂપિયાની એક એવી હજારો બોટલો અત્યાર સુધી વેચાઈ ગઈ!

પોલીસે જે કફસિરફની બોટલ ઝડપી છે તે એક બોટલની કિંમત ૧૫૦ રૂપિયાની છે. આ વિસ્તારમાં ચાલતી ચર્ચા મુજબ રાજેશકુમાર પટેલની દુકાનેથી રોજે રોજ કફસિરફના નામે નશાકારક સિરપની બોટલો રવાના કરવામાં આવતી હતી. ગઈ કાલે પણ જે બોટલો ઝડપાઈ છે તેનું ઉત્પાદન પણ જાન્યુઆરી-૨૦૨૪માં થયું છે અને માર્ચ-૨૦૨૫ની એક્સપાયરી ડેટ હતી. આ બોટલોનું પણ ઉત્પાદના તાજેતરમાં થયું હોઈ આ અગાઉ ટોળકીએ નશાકારક સિરપની હજારો બોટલો વેંચી દીધી હોવાની શંકા છે.

લાંબા સમયથી કૌભાંડ ચાલતું હતું છતાં કોઈને ગંધ સુદ્ધા ના આવી

રાજેશકુમાર ઉર્ફ રાજુ પટેલે તેની દુકાનની નોંધણી ફુડ એન્ડ ડ્રગ્સમાં કરાવી છે પરંતું તેની દુકાનનું કોઈ નામ નથી. રાજુની દુકાન કમ ગોડાઉનમાંથી નશાકારક સિરપની બોટલોનું સિફતતાપુર્વક લાંબા સમયથી વેચાણ ચાલતું હતું, તેમ કહેવાય છે, પરંતુ તેમ છતાં આ અંગેની એપાર્ટમેન્ટના કોઈ વેપારી કે સ્થાનિક રહીશો જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ કે પોલીસની એજન્સીઓને કોઈ ગંધ આવી શકી નોહતી. અમદાવાદ પોલીસે આ કૌભાંડ ઝડપી પાડતા શહેર પોલીસ બેડામાં રાજુને ઝડપી પાડવા દોડધામ મચી છે.

નરોડાની એક્રોન કંપનીમાં ઉત્પાદન - વડોદરાની યુએસ લાઈફસાયન્સિસ દ્વારા વેચાણ

કફસિરપના નામે જે નશાકારક સિરપનો જથ્થો મળ્યો છે તે બોટલ ટ્રીપોલાઈડિન હાઈડ્રોક્લોરાઈડ એન્ડ કોડિન ફોસ્ફેટ કફ લીંચ્ટસ- રિક્સસ-ટીના નામે વેચાણ થતી હતી. આ બોટલ પર મળેલા સ્ટીકરો મુજબ તેનું ઉત્પાદન અમદાવાદના નરોડા સ્થિત મેઈનરોડ પર આવેલી જીઆઈડીસી એસ્ટેટની એક્રોન ફાર્માસ્યુટિક્લ્સ કંપની દ્વારા થતું હતું તેમજ તેને વડોદરાના સુભાનપુરામાં ન્યુ આઈપીસીએલ રોડ પર આનંદવન કોમ્પ્લેક્સમાં આવેલી ઉત્તાંગ બિલ્ડિંગના ૩૦ નંબરની દુકાનમાં આવેલા યુ.એસ. લાઈફસાયન્સિસ દ્વારા માર્કેટિંગ-વેચાણ થતું હતું.