વડોદરા : શહેરના છાણી જકાત નાકા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી કોર્ટ મેરેજ કરીને લગ્ન બાદ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ત્રાસ ગુજારીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવાની ઘટનામાં યુવતીને મેડિકલ માટે પાંચ કલાકની કાર્યવાહી બાયબાય ચારણી કરાવીને ૩૬ કલાક કાઢી નાંખનાર સયાજી હોસ્પિટલના તબીબોની અમાનવીયતાને પગલે યુવતીએ હંગામો મચાવતા પોલીસ વિભાગને દોડી જવાની ફરજ પડી હતી.અને પોલીસ વિભાગે પણ તબીબોની આ નિષ્કિયતાને લઇને સયાજી હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ કેટલીક મેડિકલ તપાસ બાકી રહી ગઇ છે.તો બીજી તરફ પોલીસે વિધર્મી સહીત ત્રણના બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે..

શહેરના છાણી જકાત નાકા વિસ્તારમાં રહેતી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને રજીસ્ટર મેરેજ કરી લીધા પછી પોતાના ધરે લાવ્યા પછી હિન્દુ દેવી દેવતાના ફોટા નાંખી દઇને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા શારિરીક અને માનસિક ત્રાસ આપવા સાથે હિન્દુ નામ બદલીને માહીરા નામ રાખનાર વિધર્મી મોહીબખાન ઇમ્તીયાઝખાન પઠાણ તેમજ તેના ભાઇ મોહસીનખાન અને પિતા ઇમ્તીયાઝખાન ગુલાબનબીખાન પઠાણ સામે યુવતીએ ફતેહગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુજરાત ઘર્મ સ્વાતંત્ર અધિનિયમ સુધારાની કલમ તેમજ બળાત્કાર સહીતની વિવિધ કલમ હેઠળ આ ત્રણેયની ધરપકડ કરી હતી.અને આજે પોલીસ યુવતીને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી.આ યુવતી તેના દોઢ વર્ષના બાળક સાથે સવારે પહોંચી ગઇ હતી.અને મેડિકલ ચેકઅપની કામગીરી ફક્ત પાંચ કલાકની હતી.પણ હાજર તબીબોએ કોઇને કોઇ કારણોસર યુવતીને બાયબાય ચારણી કરાવીને હેરાન કરી હતી.અને ૩૬ કલાક થવા છતાં પણ ઇન્વેસ્ટીગેશન પુરા નહી કરાતા થાકેલી યુવતીએ આખરે રોષે ભરાઇને ગાયનેક વિભાગમાં મેડિકલ ચેકઅપ માટે ના પાડતા મામલો ગરમાયો હતો.ગઇ કાલે પણ પીઆઇ બારીયાએ દિવસમાં ચારથી પાંચ વખત સયાજી હોસ્પિટલમાં દોડધામ કરી હતી.તેમ છતાં પણ યુવતીનું મેડિકલ ઇન્વેસ્ટીગેશન કરાયું ન હતું. આજે ફરી બાકીના મેડિકલ ઇન્વેસ્ટીગેશન માટે યુવતી જતા ફરી તબીબોએ ધરમધક્કા ખવડાવતા યુવતીએ હંગામો મચાવતા એસીપી પરેશ ભેંસાણીયા તેમજ પીઆઇ બારીયાને તુરંત જ સયાજી હોસ્પિટલમાં દોડી જવાની ફરજ પડી હતી.અને મામલો જાણ્યા પછી હાજર તબીબોની બેદરકારી પ્રકાશમાં આવતા સયાજી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓને જાણ કરાતા આખરે યુવતીની મેડિકલ ઇન્વેસ્ટીગેશનની કાર્યવાહી પાંચ કલાકને બદલે ૩૬ કલાકે પુરી થઇ હતી.અને બીજી તરફ ફતેહગંજ પોલીસે વિધર્મી યુવતીના પતિ,જેઠ અને સસરાના વધુ પુછતાછ માટે બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે.

લવજેહાદ અંગે પાટીદાર સમાજનું પોલીસ કમિશનરને આવેદનપત્ર

વડોદરા ઃ એક સપ્તાહમાં જ લવજેહાદના બીજા કિસ્સામાં સમસ્ત પાટીદાર સમાજ વડોદરા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આ મામલામાં આરોપી નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટરનો પુત્ર હોવાની જાણકારી આપી હતી. એ ઉપરાંત અગાઉના પોલીસ કમિશનર સમક્ષ આ જ મામલો પહોંચ્યો હતો. ત્યારે નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટરને આવી ઘટના ન બને એની તકેદારી રાખવાની સૂચના અપાઈ હતી, તેમ છતાં લવજેહાદની આ પ્રવૃત્તિ થઈ હોવાથી પોલીસ કમિશનરને કડક પગલાં ભરવા માટે માગ કરવામાં આવી છે. સમસ્ત પાટીદાર સમાજ વતી હિતેશ પટેલ અને હસમુખ અમીને આ કેસમાં દાખલો બેસે એવા પગલાં ભરવા આવેદનપત્રમાં વિનંતી કરાઈ છે.