વડોદરા, તા.૧૫ 

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર હેઠળ ઉત્તર તરફથી ૧૦ કિ.મી.ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતાં તેમજ તાપમાનમાં ઘટાડો થતાં શહેર ઠંડંુગાર બન્યું હતું. દિવસ દરમિયાન ઠંડીના પગલે લોકોને ગરમ વસ્ત્રોના બજારોમાં સ્વેટર, જેકેટ વગેરેની ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર એઠળ વાદળિયા વાતાવરણ વચ્ચે હિલસ્ટેશન જેવો માહોલ અનુભવાઈ રહ્યો છે. કમોસમી વરસાદ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. જ્યારે ઉત્તર તરફથી ઠંડા પવન ફૂંકાતાં શહેર ઠંડુંગાર બન્યું છે. તેમાંય વહેલી સવારે અને મોડી રાત્રે ગાઢ ધુમ્સ સાથે તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઠંડીના ચમકારાને પગલે ગરમ વસ્ત્રોના બજારમાં ભારે ભીડ જામી રહી છે.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે મહત્તમ તાપમાન ર૭.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૭.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા જે સાંજે ૬૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૪ મિલિબાર્સ તેમજ ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાયેલા પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકના ૧૦ કિ.મી. નોંધાઈ હતી.