ગાંધીનગર-

નૈઋત્યનું ચોમાસુ તેના શેડ્યુલ કરતા એકાદ સપ્તાહ મોડું શરૂ થયું હતું. સામાન્ય રીતે ચોમાસાની સિઝનના અંતિમ ભાગમાં ખાસ વરસાદ વરસતો નથી પરંતુ આ વખતે આરંભથી અંત સુધી એકધારો જોરદાર વરસાદ બાદ હવે ચોમાસુ તેના અંતિમ ચરણમાં પહોંચ્યું છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આગામી તારીખ 28 થી ચોમાસુ ક્રમશ: દેશભરમાંથી વિદાય લે અને તેની એક્ઝિટનો પ્રારંભ પશ્ચિમ રાજસ્થાનથી થાય એવું હાલ જણાઈ રહ્યું છે.

સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં 132 ટકાથી વધુ વરસાદ થઈ ગયો છે અને હવે મેઘરાજા ખમૈયા કરે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બરાબર તેવા સમયે જ આગામી તારીખ 28 આસપાસથી પશ્ચિમ રાજસ્થાનથી નૈઋત્યનું ચોમાસુ વિદાય લે તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાંથી વિધિસર રીતે 30મી સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લેશે. આ અંગે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જો કે એ પહેલા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારમાં મેઘો મનમૂકીને વરસશે. આ વર્ષે રાજ્યમાં 134 ટકા વરસાદ નોંધાયો છે.