વડોદરા, તા. ૧૮

શહેરના કારેલીબાગ વિસ્તારમાં તાજેતરમાં આર્થિકભીંસના કારણે સગીમાતાએ તેની બે પુત્રીઓની હત્યા કરવાના બનાવની શાહી સુકાઈ નથી ત્યાં તો કારેલીબાગ વિસ્તારમાં જ ફરી એક આશાસ્પદ યુવતીને તેની સગી માતાએ આર્થિકભીંસના કારણે ૧૨ દિવસથી ઘરમાં ગોંધી રાખી હોવાની વિગતો સપાટી પર આવી છે. આ બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે દોડી ગયેલી કારેલીબાગ પોલીસે યુવતીને મુક્ત કરાવી હતી જયારે પીઆઈએ યુવતી અને તેના ભાઈના ભણતરનો ખર્ચની જવાબદારી ઉઠાવી સમસ્યાનો સુખદ અંત લાવતા ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’નું સૂત્ર સાર્થક કર્યું હતું.

કારેલીબાગમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીએ ગત સાંજે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી કે તેને તેની માતાએ બાર દિવસથી ઘરમાં પુરી રાખી છે તેમજ તેને બહાર જવા દેતી નથી. આ જાણકારીના પગલે કારેલીબાગ પોલીસની શીટીમ યુવતીના ઘરે દોડી ગઈ હતી અને યુવતીને ઘરમાંથી મુક્ત કરાવી હતી. મહિલા પોલીસને જાેતા જ યુવતી તેઓને ભેંટી પડી હતી અને પોલીસ મથકમાં લઈ જવા માટે કાકલુદી કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે મારી માતાએ મને ઘરમાં પૂરી રાખી છે અને તે મને ભણવાની ના પાડી મારા લગ્ન કરાવી દેવા માગે છે, જાે તમે મને નહી લઈ જાવ તો હું આપઘાત કરી લઈશ.

બનાવની ગંભીરતા જાેતા યુવતીને તુરંત પોલીસ મથકમાં લઈ જવાઈ હતી જયાં તેણે પીઆઈ ચેતન જાદવને જણાવ્યું હતું કે મારા પિતાનું અવસાન થતા મારી માતા બ્યુટીપાર્લરનું કામ કરે છે જેથી મારુ અને નાના ભાઈ સહિત ત્રણ સભ્યોનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ છે. મારા ધો.૧૦માં ૮૭ ટકા, ધો.૧૨માં ૭૭% અને મ.સ.યુનિ.માં બી.કોમ.માં ૭૩% આવેલ છે. હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી સાથે સાથે એમ.કોમ.પુરુ કરવા માંગુ છું પરંતું હું જે સ્લમ વિસ્તારમાં રહું છે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને અમારા સમાજના કેટલાક લોકો મારી માતાને જણાવે છે કે લડકી કો અબ પઢાઓ મત, ઇતની છુટછાટ મત દો, ઘર સે બાહર મત નીકલને દો, જલ્દી સે જલદી ઇસકી શાદી કરા દો, પઢાઇ મે અબ ખર્ચા મત કરો. જાેકે મારે આગળ વધુ અભ્યાસ કરવો છે પરંતું કેટલાક સંકુચિત વિચારસરણી ધરાવતા સબંધીઓ માતાનું બ્રેઈનવોશ કરી રહ્યા છે, પ્લીઝ મને પાછી નહી મોકલતા નહિતર હું આપઘાત કરી લઈશ.

તમામ વિગતો જાણ્યા બાદ પીઆઈ જાદવે યુવતીની માતાને બોલાવી તેનું કાઉન્સિલીંગ કર્યું હતું અને યુવતી તેમજ તેનો નાનો ભાઈ જ્યાં સુધી અભ્યાસ કરશે ત્યાં સુધી અભ્યાસનો ખર્ચ તે ઉઠાવશે તેમ કહી સગાસંબંધીઓને પણ યુવતીના ઘરે કોઈ દખલ નહી કરવાની કડક સુચના આપી હતી. પીઆઈની વાત સાંભળીને યુવતીની માતાને ભુલ સમજાતા તેણે પુત્રીની માફી માંગી હતી અને યુવતીના તમામ સપના પુરા કરવા માટે તૈયારી દર્શાવી હતી. પોલીસના માનવતાભર્યા વલણના કારણે સમગ્ર સમસ્યાનો સુખદ અંત આવતા એક પરિવાર વેરવિખેર થતાં બચી ગયો હતો.