દિલ્હી-

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.84.20 પર પહોંચી ગયો છે, જે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ સતત બીજા દિવસે કિંમતોમાં વધારો કર્યા બાદ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓની પ્રાઈસ નોટિફિકેશન મુજબ ગુરુવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 23 પૈસા અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 84.20 છે અને ડીઝલની કિંમત વધીને 74.38 કરવામાં આવી છે. મુંબઈમાં પેટ્રોલ 90.83 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 81.07 રૂપિયા પ્રતિ લિટર છે.

દિલ્હીમાં પેટ્રોલની આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે, જ્યારે મુંબઇમાં ડીઝલ વિક્રમજનક ઉંચી સપાટીએ છે. જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) એ આશરે એક મહિના પછી બુધવારે દૈનિક ધોરણે ભાવ સમીક્ષા ફરી શરૂ કરી હતી.

બુધવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 4 ઓક્ટોબર, 2018 ના રોજ દિલ્હીમાં પેટ્રોલની મહત્તમ કિંમત 84 રૂપિયા પ્રતિ લિટર હતી. તે સમયે ડીઝલ 75.45 રૂપિયા પ્રતિ લિટર હતું. આવી સ્થિતિમાં ફુગાવાના દબાણને ઘટાડવા અને ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધારવા સરકારે પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.50 નો ઘટાડો કર્યો હતો. આ સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પણ લિટર દીઠ એક રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો. જો કે, એક સરકારી અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે હાલમાં કોઈ કર કપાત વિચારણામાં નથી.