મુબંઇ-

સકારાત્મક આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે શેરબજાર સોમવારે મજબૂત શરૂ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) સેન્સેક્સ સવારે 286 પોઇન્ટના વધારા સાથે 36,880.66 પર ખુલ્યો હતો. સવારે 9.30 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 421 પોઇન્ટ વધીને 37015 પર પહોંચી ગયો. જો કે, કારોબારના અંતે, બજાર તેની ઘણી લીડ ગુમાવી ગયું અને અંતે સેન્સેક્સ 99.36 પોઇન્ટ વધીને 36,693.69 ની સપાટીએ બંધ રહ્યો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE) નો નિફ્ટી 84 પોઇન્ટ વધીને 10,851.85 પર ખુલ્યો. નિફ્ટી છેલ્લે 47.15 પોઇન્ટના વધારા સાથે 10,815.20 પર સમાપ્ત થયો. IT, FMCG, ધાતુ અને ઉર્જા ક્ષેત્રો માર્કેટ શેર વૃદ્ધિના મુખ્ય ચાલક હતા. લગભગ 1110 શેરો વધ્યા અને 1543 શેર્સ ઘટ્યા.

વધવાનાં અગ્રણી શેરોમાં ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, HCL ટેકનોલોજીઓ, JSW સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે, જ્યારે ઘટતા મુખ્ય શેરોમાં પાવર ગ્રીડ, HDFC બેન્ક, બજાજ ફાઇનાન્સ, HDFC અને ICICI બેન્કનો સમાવેશ થાય છે. બેન્કિંગ ઉપરાંત અન્ય તમામ ક્ષેત્ર ગ્રીન માર્ક પર જોવા મળ્યા હતા.

સોમવારે ડોલર સામે રૂપિયો પણ 75.15 ની મજબૂતીમાં ખુલ્યો હતો. શુક્રવારે રૂપિયો 75.20 ની સપાટીએ બંધ રહ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની આવી પહેલી કંપની બની છે, જેની માર્કેટ મૂડી 12 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એક મહિના કરતા પણ ઓછા સમયમાં રિલાયન્સનું માર્કેટ કેપ 11 લાખ કરોડથી વધીને 12 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. અમેરિકાના ક્વાલકોમ વેન્ચર્સે રવિવારે જાહેરાત કરી છે કે તે રિલાયન્સ જિઓ પ્લેટફોર્મમાં 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ સમાચાર આવ્યા પછી આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે રિલાયન્સના શેર વધ્યા હતા.

અન્ય એશિયાઈ શેર બજારોમાં ઘટાડા વચ્ચે નાણાકીય કંપનીઓના શેરમાં વેચવાલીને કારણે BSE સેન્સેક્સ શુક્રવારે 143 પોઇન્ટના ઘટાડા સાથે 36.594.33 પોઇન્ટ પર સમાપ્ત થયો. BSE ના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 143.36 અંક એટલે કે 0.39 ટકા તૂટીને 36,594.33 ના સ્તર પર બંધ થયા છે. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 45.40 પોઇન્ટ એટલે કે 0.42 ટકા તૂટીને 10,768.05 ની સપાટીએ બંધ રહ્યો છે