/
તબીબોની પડતર માગણીઓ સ્વીકારાતાં હડતાળ સમેટાઈ

વડોદરા, તા.૮

સમગ્ર રાજ્યમાં તબીબોએ હડતાળના આંદોલનને મક્કમતાપૂર્વક આગળ ધપાવતાં આજે હડતાળના આંદોલનનો પાંચમો દિવસ પૂર્ણ થયો છે. ત્યારે તબીબો દ્વારા સયાજી હોસ્પિટલના મેડિકલ કોલેજ કેમ્પસમાં ગાયત્રી હવનનો કાર્યક્રમ રાખી વિરોધ નોંધાવ્યો હતો અને સરકારને સદ્‌બુદ્ધિ મળે તેવી કામના કરી હતી. આંદોલનને પગલે સારવાર માટે આવતા ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓની હાલત કફોડી બની હતી. દર્દીઓની સારવારમાં આરોગ્યતંત્ર રામભરોસે ચાલી રહ્યું છે. હોસ્પિટલમાં આવતા ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ સારવાર વગર હેરાન-પરેશાન થતાં નાછૂટકે તેઓને ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં આવા દર્દીઓની સારવાર કરવા માટે તેમની પાસે નાણાં ન હોવાથી સારવાર વગર રઝળવું પડતું હતું. તબીબોની માગણીઓ મુદ્દે હડતાળ પાંચમા દિવસે ચાલી રહી હતી ત્યારે મોડી સાંજે રાજ્ય સરકારે તબીબોની તમામ માગણીઓનો સ્વીકાર કરતાં સુખદ અંત આવ્યો હતો અને તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ગવર્નમેન્ટ ફોરમે તેઓની કેટલીક પડતર માગણીઓને લઈને સરકાર સમક્ષ છેલ્લા પાંચ દિવસથી હડતાળનું રણશિંગુ ફૂંકયું હતું. આજે હડતાળના પાંચમા દિવસે સરકારી હોસ્પિટલોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજે સયાજી હોસ્પિટલના તબીબોએ મેડિકલ કોલેજના કેમ્પસમાં ગાયત્રી હવન કરીને વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર લેખિતમાં અમારી મંજૂર થયેલી માગણીઓનો આદેશ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે તેઓ હુંકાર તબીબોએ કર્યો હતો. આ હડતાળ સંદર્ભે રાજ્ય સરકારે તબીબોની માગણીઓ ગંભીરતાપૂર્વક લઈને મુખ્યમંત્રીએ મધ્યસ્થી કરી હતી આ હડતાળનો અંત લાવવા સૂચન કરતાં આરોગ્ય વિભાગે તબીબોની માગણીઓનો સ્વીકાર કરીને હડતાળનો અંત આવ્યો હતો અને મુખ્યમંત્રીએ તબીબોની મંજૂર થયેલ માગણીઓ સ્વીકારવા આદેશ આપ્યો હતો. તબીબોની હડતાળનો અંત આવતાં હવે સરકારી હોસ્પિટલો ધમધમતી થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution