મોરબી-

મોરબીના રવાપર નજીક રહેતા સંકેત પૈજા, અજય કાનેટીયા અને ટંકારામાં રહેતા જૈમીન સુરાણીએ અમદાવાદના નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ઈન્વિન્સીબલ NGO દ્વારા આયોજીત ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે હિમાચલ પ્રદેશની પિરપંજાલ શ્રેણીમાં આવેલા જગતસુખ શિખરનું સફળતાપુર્વક આરોહણ કર્યુ છે. અમદાવાદ સ્થિત ઈન્વિન્સીબલ NGO દ્વારા દર વર્ષે આવા ટ્રેકીંગ કેમ્પનું આયોજન થતું હોય છે. આ NGO ભારતની સૌથી મોટી ટ્રેકિંગ કેમ્પ આયોજન કરતી સંસ્થા છે, જે વિદ્યાર્થીઓ દ્વારા નોન-પ્રોફિટ બેઝ પર ચલાવવામાં આવે છે. જેમાં 2013થી લઈને અત્યાર સુધીમાં 83 હજારથી પણ વધુ યુવાનોએ વિવિધ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો છે.

આ NGOની સ્પોન્સરશીપ થકી 37 યુવાનો આ વર્ષે હિમાચલ સ્થિત માઉન્ટ ફ્રેન્ડશીપ શિખરનું આરોહણ કરવાના હતા; પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનાલી મુલાકાતના કારણે બાદમાં તેને જગતસુખ શિખર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ શિખરની ઊંચાઈ 16,700 ફૂટ છે અને આ શિખર માઉન્ટ ફ્રેન્ડશીપ શિખર કરતા વધારે અઘરૂ ગણાય છે.આ પર્વતારોહણ માટે અમદાવાદના રૂષિરાજ મોરીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાંથી કુલ 37 લોકોની ટીમ નીકળી હતી. જેમાંથી 24 લોકોએ સફળતાપુર્વક આરોહણ કર્યું હતું. આ પર્વતારોહકો છેલ્લા ત્રણ મહિનાથી તૈયારીઓ કરી રહ્યા હતા, જેમાં દરરોજ 5 કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ-ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામના અભ્યાસ સાથે ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિસ્પર્ધીઓની પસંદગી કરવામાં આવી હતી અને વીડિયો લેક્ટર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી.મનાલી પહોંચ્યા બાદ એક દિવસ માટે પોતાની તાલીમનો મહાવરો કરીને કોરોનાના સમયમાં ખૂબ જ સાવચેતીપૂર્વક આ પર્વતારોહકોએ તમામ કાર્યો પાર પાડ્યા હતા.