લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
3960
શ્રાવણ મહિનાથી લઇને દિવાળી સુધીનાં તહેવારોનો સમયગાળો એવો હોય છે કે જેમાં દરેક લોકોને પગાર-કમાણીથી વધારે રૂપિયાની જરૂર પડે છે, આવી સ્થિતિમાં છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ફૂલેલાફાલેલા ઇન્સ્ટન્ટ લોન આપતી મોબાઇલ એપ્લિકેશનનાં વેપલામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના હજારો લોકો એવા ફસાયા કે નાની લોનના ચક્કરમાં જીવનની મોટી ભૂલ કરી બેઠાં હોય તેવો કડવો અનુભવ થાય છે. ભૂલે ચૂકે જાે એકાદ બે ઇ.એમ.આઇ. ચૂકી જવાય તો લોન લેનારા અને તેમના સગાસબંધીઓને ટેલિફોનિક, મેસેજથી એવો માનસિક ત્રાસ આપવામાં આવે કે ખાનગી વ્યાજખોરો સારા લાગે.
મળતી માહિતી મુજબ મોંઘવારીમાં આવક ટકી રહી નથી અને અચાનક ઊભા થતા ખર્ચ માટે હાથમાં રોકડ નથી. આવા સમયે મોબાઇલમાં એપ ડાઉનલોડ કરો, આધારકાર્ડ અને કેટલીક પર્સનલ વિગતો અપલોડ કરો અને ગણતરીની મિનિટોમાં રૂ.૭ હજારથી રૂ.૧૫ હજાર સુધીની લોન ખાતામાં આવી જાય છે. ઇન્સ્ટન્ટ લોનનો આ સરળ વિકલ્પ હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતનાં હજારો લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. ખાસ કરીને રૂ.૨૫ હજારથી રૂ.૩૦ હજાર માસિક કમાતા યુવાનો નાની લોનનાં ચક્રમાં સૌથી વધુ ફસાઈ રહ્યાં છે. એક લોન ભરવા બીજી એપમાંથી લોન અને ત્યારબાદ ત્રીજી લોન લેવાની ફરજ પડતાં નાની લોન આખરે દેવાનાં ડુંગરમાં ફેરવાઈ રહી છે.
બેંકિંગ ક્ષેત્રનાં એક આગેવાનનું કહેવું છે કે રૂ.૨૫ હજારથી રૂ.૩૦ હજારની માસિક આવક ધરાવતા યુવાનો રૂ.૭ હજારથી રૂ.૧૫ હજારની લોન ખૂબ સરળતાથી લઈ લે છે. બેંકની લાંબી પ્રક્રિયા નહીં, ગેરંટી નહીં અને ઝડપથી ખાતામાં પૈસા મળતા હોવાથી જરૂરિયાત કરતાં વધુ સરળતાથી લોન લેવામાં આવે છે. પરંતુ ઈસ્ૈં શરૂ થયા બાદ સ્થિતિ બદલાય છે. પગાર મળતાં જ એક હિસ્સો ઈસ્ૈંમાં કપાઈ જાય છે. ઘરખર્ચ અને અન્ય જરૂરિયાત માટે ફરી નાણાંની જરૂર પડે ત્યારે બીજી લોન લેવામાં આવે છે.
ડિજિટલ લોનનાં ક્ષેત્રમાં જાેવા મળતું આ ચક્ર‘સીરિયલ રિફાઇનાન્સિંગ’તરીકે ઓળખાય છે. ગ્રાહક એક લોન પૂરી કરવા માટે બીજી એપમાંથી લોન લે છે. ત્યારબાદ બીજી લોનની ચુકવણી માટે ત્રીજી લોન લેવામાં આવે છે.
આ રીતે રૂ.૧૦ હજારની જરૂરિયાતથી શરૂ થયેલી લોન થોડા જ સમયમાં અનેક એપ્સના દેવામાં ફેરવાઈ જાય છે. આવક એક જ રહે છે, પરંતુ ઈસ્ૈંની સંખ્યા વધતી જાય છે.
ઇન્સ્ટન્ટ લોન આપતી કેટલીક મોબાઇલ એપ્લિકેશન તો એવી છે કે વ્યાજની ગણતરી સમજ્યા વગર બારોબાર લોન લઇ લેનારાને પાછળથી ખબર પડે છે કે તેને ૧૦થી ૧૨ ટકા જેટલું ઉંચુ વ્યાજ ચૂકવવાની નોબત આવી છે. રૂ.૧૫ હજારથી રૂ.૨૫ હજારની લોનમાં વ્યાજ અને વિવિધ ચાર્જના કારણે લોનધારક પર મોટો બોજ આવી રહ્યો છે. કેટલાક લોનધારકોનાં જણાવ્યા મુજબ, શોર્ટ ટર્મ લોનમાં ૧૦થી ૧૨ ટકા સુધીનું વ્યાજ વસૂલવામાં આવે છે. સાથે પ્રોસેસિંગ ફી સહિતનાં અન્ય ચાર્જ ઉમેરાતા લોનની વાસ્તવિક કિંમત વધી જાય છે. લોન ભરવામાં એક વખત પણ વિલંબ થાય ત્યારે રિકવરી કોલ શરૂ થાય છે. ત્યારબાદ વારંવાર ફોન, મેસેજ અને સગા-સંબંધીઓનો સંપર્ક કરવામાં આવતો હોવાની ફરિયાદો છે. દેવાદારનાં કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરી તેના પરિવારજનો અને બોસને ફોન કરવો, અપશબ્દો બોલવા તથા ઘરે જઈને દબાણ કરવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. આ કારણે નાની રકમની લોન લેનાર વ્યક્તિ આર્થિક ઉપરાંત સામાજિક દબાણમાં પણ આવી જાય છે.