લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, ઓગ્સ્ટ 2026 |
1584
ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળોની મુલાકાતે જતા લોકો ઓનલાઇન બુકિંગની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ જ ઓનલાઈન વ્યવસ્થાનો ગેરલાભ લઈ લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકીનો સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે પર્દાફાશ કર્યો છે. ધાર્મિક સ્થળોની આસપાસ આવેલી ધર્મશાળા, આશ્રમ અને હોટેલોના નામે ફેક વેબસાઇટ બનાવી લોકોને બુકિંગના નામે નાણાં પડાવતી ટોળકીના બે અલગ-અલગ કિસ્સામાં ત્રણ આરોપીઓની દિલ્હી અને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ગુજરાતની ૪૧ સહિત દેશભરમાં કુલ ૧૨૬ ફેક વેબસાઇટ તૈયાર કરી હતી. આ વેબસાઇટને એવી રીતે તૈયાર કરવામાં આવતી હતી કે સામાન્ય વ્યક્તિને તે અસલી વેબસાઇટ હોવાનું જણાય.
ધાર્મિક અને પર્યટન સ્થળોની આસપાસ આવેલી ધર્મશાળાઓ, આશ્રમો અને હોટેલોના ફોટોગ્રાફ તથા વિગતો મેળવી તેનો ઉપયોગ ફેક વેબસાઇટમાં કરવામાં આવતો હતો. ત્યારબાદ ઓનલાઇન બુકિંગ અથવા રૂમ રિઝર્વેશનના નામે લોકો પાસેથી નાણાં લેવામાં આવતા હતા.સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસ મુજબ આ નકલી વેબસાઇટના માધ્યમથી ૨૧,૯૮૫ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં આ પ્રકારની છેતરપિંડી અંગે આશરે ૭૦ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. એટલે કે એકાદ-બે વેબસાઇટ પૂરતી મર્યાદિત ન રહેતા આરોપીઓએ અલગ-અલગ ધાર્મિક અને પર્યટન સ્થળોને આવરી લેતું મોટું નેટવર્ક ઊભું કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે દિલ્હીમાંથી મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તાની ધરપકડ કરી છે, જ્યારે રાજસ્થાનના ભરતપુરમાંથી શૈલેષ સૈનીને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસમાં મુખ્ય સૂત્રધાર વિકી ગુપ્તા બી.ટેકની ડિગ્રી ધરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. ટેક્નિકલ જાણકારીનો ઉપયોગ કરીને ફેક વેબસાઇટ ઊભી કરવામાં આવતી હતી અને તેને સર્ચમાં લોકો સુધી પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે.આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ધાર્મિક સ્થળ કે પર્યટન સ્થળની આસપાસ આવેલી વાસ્તવિક ધર્મશાળા, હોટેલ અથવા આશ્રમની માહિતી મેળવી તેની સાથે મળતી આવતી વેબસાઇટ તૈયાર કરવામાં આવતી હતી. વેબસાઇટ પર સ્થળના ફોટોગ્રાફ અને સુવિધાઓની વિગતો મુકાતી હોવાથી ગ્રાહકને તે અધિકૃત વેબસાઇટ હોવાની શંકા પણ ન જાય.
બુકિંગ કરવા માટે સંપર્ક કરનાર વ્યક્તિ પાસેથી વિવિધ કારણોસર ઓનલાઈન પેમેન્ટ કરાવવામાં આવતું હતું.આ નેટવર્કમાં ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ સોમનાથને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. સોમનાથ નજીક આવેલા સાગર દર્શન, મહેશ્વરી અતિથિ ગૃહ તથા લીલાવતી અતિથિ ગૃહના નામે પણ છેતરપિંડી કરવામાં આવી હતી.
આરોપીઓ દ્વારા વેબસાઇટના માધ્યમથી લોકોનો સંપર્ક કરવામાં આવતો અને ત્યારબાદ સીધો ઊઇ કોડ મોકલી તેના મારફતે નાણાં ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. સોમનાથની ધર્મશાળાના નામે થયેલી છેતરપિંડીના કિસ્સામાં પોલીસને મળેલી ફરિયાદમાં રૂ.૬.૯૧ લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદ બાદ સમગ્ર મામલો ગંભીર બનતા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ફેક વેબસાઇટ, તેના સંચાલન અને નાણાકીય વ્યવહારોની કડીઓ શોધવામાં આવી હતી. પોલીસે બંને અલગ-અલગ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી કુલ કેટલી રકમ પડાવી છે, આ ફેક વેબસાઇટના સંચાલનમાં અન્ય વ્યક્તિઓની ભૂમિકા હતી કે કેમ અને નાણાં કયા ખાતાઓમાં ટ્રાન્સફર થતા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત દેશના અન્ય ધાર્મિક અને પર્યટન સ્થળોના નામે પણ આવી જ વેબસાઇટ બનાવવામાં આવી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની કાર્યવાહીથી માત્ર સોમનાથના કિસ્સાનો જ નહીં પરંતુ દેશભરમાં ફેલાયેલા ફેક વેબસાઇટના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ગુજરાતની ૪૧ સહિત ૧૨૬ વેબસાઇટ અને ૨૧,૯૮૫ લોકોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવતા આ છેતરપિંડીનું પ્રમાણ ગંભીર હોવાનું જણાય છે. પોલીસ હવે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને ડિજિટલ પુરાવાના આધારે નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસમાં છે. ધાર્મિક સ્થળોની યાત્રા માટે ઓનલાઈન બુકિંગ કરતી વખતે નાગરિકો માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે.
સર્ચ એન્જિન પર મળતી દરેક વેબસાઇટ અધિકૃત હોય તે જરૂરી નથી. ખાસ કરીને ધર્મશાળા, હોટેલ કે આશ્રમના નામે બુકિંગ કરતા પહેલાં સંબંધિત સંસ્થાની અધિકૃત વેબસાઇટ અને સંપર્ક નંબરની ખરાઈ કરવી જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ઊઇ કોડ પર તાત્કાલિક નાણાં ટ્રાન્સફર કરવાને બદલે સંસ્થાની અધિકૃતતા ચકાસવી જરૂરી છે.સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની તપાસ હજુ ચાલુ હોવાથી આ નેટવર્કમાં સંકળાયેલા અન્ય આરોપીઓ અને છેતરપિંડીની કુલ રકમ અંગે આગામી તબક્કે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.