વડોદરા, તા.૨૮

આજે સવારે સેવાસી ટીપી રોડ પર આવેલ જલસા બંગલોઝ પાસે ઓડી કાર અને ઓટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષામાં સવારે સોલંકી દંપતી પૈકી ચાલક પતિનું મોત નીપજ્યું છે, જ્યારે પત્નીને ઈજાઓ પહોંચતાં તેણીને સારવાર માટે ગોત્રી ખાતેની હોસ્પિટલ ખસેડાયા બાદ સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. કાર અને રિક્ષાને ભારે નુકસાન થયું હતું. આરટીઓમાં ગાયત્રીબેન કલ્યાણસિંહ કુંપાવત (રહેવાસી ઃ બકુલ સોસાયટી વિભાગ-૨, યશ બેન્ક પાસે રેસકોર્સ, વડોદરા) ના નામે છે એ જીજે ૦૬ ઈએચ ૩૦૦૮ની કાર મહિલા ચલાવી રહી હોવાનું તાલુકા પોલીસસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કારના નંબરના આધારે ચાલક મહિલાની અટકાયતના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આજવા રોડ કિશનવાડી શક્તિ ચોકમાં વિજયભાઈ ભાઈલાલભાઈ સોલંકી આજે સવારે પોતાની રિક્ષામાં પત્નીને બેસાડી સેવાસી તરફ જઈ રહ્યા હતા. તેઓ પ્રિયા ટોકીઝ તરફ ટીપી રોડ તરફ જઈ રહ્યા હતા તે વખતે જલસા બંગલોઝ પાસે પૂરઝડપે ઓડી કાર હંકારીને જઈ રહેલી મહિલાએ વિજયની રિક્ષાને ટક્કર મારી હતી. કારની જાેરદાર ટક્કર વાગતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં સોલંપી દંપતી ઈજાગ્રસ્ત થયું હતું. અકસ્માતમાં રિક્ષાચાલક વિજયને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવાર માટે ગોત્રી ખાતેની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતાં પોલીસ બનાવસ્થળે આવી પહોંચી હતી અને કારના નંબરના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં કારમાલિક મહિલા ગાયત્રીબેન હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.