ન્યૂ દિલ્હી

ભારત સરકારના નાણા મંત્રાલયે બચત ખાતા પર વ્યાજ ઘટાડવાની જાહેરાત કરી છે. આ આદેશ ઓછા સમયના બચત ખાતા પર લાગૂ થશે. નવા આદેશ પ્રમાણે હવે વાર્ષિક ૪%ની જગ્યાએ ૩.૫% ના દરથી વ્યાજ મળશે. આ વિશે નાણામંત્રાલયે નોટ જારી કરી છે. આ જાહેરાતની અસર પીપીએફ બચત ખાતા, કિસાન બચત યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતા ધારકો પર પણ પડશે. સરકારે તેના વ્યાજદરમાં પણ ઘટાડો કર્યો છે. સરકારના આ આદેશ પ્રમાણે હવે વરિષ્ઠ નાગરિકોને મળવા વ્યાજદરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા તેને ૭.૪ ટકાના વ્યાજદરથી વ્યાજ મળતું હતું, હવે તેને ૬.૫ ટકાના દરે વ્યાજ મળશે.

સરકારે સુકન્યા યોજના હેઠળ ઉંચા વ્યાજ દરની જાહેરાત કરી હતી. અત્યાર સુધી સુકન્યા સમૃદ્ધિ ખાતા ધારકોને ૭.૬ ટકાના દરથી વ્યાજ મળતું હતું, જે વાર્ષિક હતું. પરંતુ હવે આ વ્યાજદર ઘટી ૬.૯ ટકા થઈ ગયો છે. સરકારે રાષ્ટ્રીય બચત યોજનામાં રોકાણ કરનારને પણ ઝટકો આપ્યો છે. હવે આ યોજનામાં રોકાણ કરનારને ૬.૮ ટકાની જગ્યાએ ૫.૯ ટકાના દરથી વ્યાજની ચુકવણી કરવામાં આવી છે. તો દેશમાં નોકરી કરતા લોકો માટે સૌથી ફાયદાવાળી પીપીએફ સ્કીમના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. હવે પીપીએફ ખાતા પર ૭.૧ ટકાની જગ્યાએ ૬.૪ ટકાના દરે વ્યાજ મળશે. એટલું જ નહીં સરકારે કિસાન વિકાસ પત્ર ધારકોને પણ ઝટકો આપી દીધો છે. પહેલા કિસાન વિકાસ પત્ર પર ૬.૯ ટકાના દરે વ્યાજ મળતું હતું અને તે ૧૨૪ મહિનામાં મેચ્યોર થતી હતી. પરંતુ હવે આ યોજના હેઠળ ૬.૨ ટકાના દરથી વ્યાજ મળશે અને તેનો મેચ્યોરિટી સમય પણ ૧૨૪ મહિનાથી વધારી ૧૩૮ મહિના કરી દીધો છે.