કુલગામ-

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિમ્મર વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી. જે બાદ સીઝ અને સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. સેનાને પણ આશંકા છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ હોઈ શકે છે, તેથી આ કામગીરી અત્યંત સાવધાની સાથે ચલાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ૨૭ જૂને જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાના હરિપરીગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પૂર્વ એસપીઓ ફૈઝ અહેમદ, તેની પત્ની અને પુત્રીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એસપીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તે જ સમયે, આ હુમલામાં તેમની પુત્રી અને પત્નીને પણ ગોળી વાગી હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પત્નીનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું અને સોમવારે સવારે પુત્રીનું મોત નીપજ્યું હતું.