વડોદરા, તા.૧૩

કિશનવાડી ગધેડા માર્કેટ પાસે પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનુ ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવ્યુ છે. અહી વિસ્તાર માંથી એકઠો કરાતો કચરો રોજે રોજ ઠાલવવામાં આવે છે.અને નિર્ધારીત સમય બાદ તે ઉપાડવામાં પણ આવતો નથી.ત્યારે અહીં ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. જેના કારણે આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યાં છે. ગંદકીને કારણે ત્યાં બીમારીઓ પણ વધી રહી છે જે માનવ જીવનના સ્વાસ્થ્ય માટે બહુ મોટી અને ગંભીર બાબત છે. ગંદકીના સામ્રાજ્યને લીધે અલગ અલગ રોગો અને બીમારી ફેલાતા અટકાવવા માટે તાત્કાલિક કચરાનો ડમ્પિંગ યાર્ડ બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે ડે.મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કચરાના ડમ્પીંગ યાર્ડની બાજુમાં પાલિકાની માલિકીનો પ્લોટ આવેલ છે જેની ઉપર બિનઅધિકૃત રીતે દબાણ થયેલ છે જેને તત્કાલ ધોરણે દૂર કરવામાં આવે એવી માંગ કરાઇ છે. આ વિસ્તારમાં રોડ પર ભરાતુ શાકભાજી માર્કેટ પાલિકાના પ્લોટ પર ખસેડવામાં આવ્યુ હતુ. પરંતુ ફરી કેટલાક રોડ પર ઉભા થવા લાગ્યા હતા.ઉપરાંત શાકભાજી માર્કેટ પાસેજ ઉભા કરાયેલા ડમ્પિંગ યાર્ડની સામે શાકભાજીના વેપારીઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો હતો.