લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026 |
1683
સુરત શહેરમાં કથળતી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, દારૂ અને ડ્રગ્સનાં ખુલ્લેઆમ થતા વેચાણ તેમજ તાજેતરનાં ખાડીપૂરથી સર્જાયેલી તારાજીના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા અને પોતાના જ હોમટાઉનમાં કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સુરતમાં ગેરકાયદે દારૂનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને શહેરની છબી ક્રાઈમ સિટી તરીકે ખરડાઈ રહી છે. ભાવનગરમાં બનેલા લઠ્ઠાકાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે સુરતમાં પણ આવી દુર્ઘટના સર્જાય તે પહેલાં ગેરકાયદે દારૂ અને ડ્રગ્સના વેચાણ સામે કડક કાર્યવાહી થવી જાેઈએ. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સુરતમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી ન મળે તેવી સ્થિતિ છે, પરંતુ દારૂ અને નશીલા પદાર્થો ગલીએ-ગલીએ સરળતાથી મળી રહ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર હપ્તાખોરીના કારણે પોતાની ફરજમાં નિષ્ફળ જઈ રહ્યું છે. નદી-ખાડીના કિનારે ગેરકાયદે બાંધકામો અને પુરાણના કારણે પૂર જેવી સ્થિતિ વધુ ગંભીર બની હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. ફેક્ટરીઓ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં થયેલા નુકસાન સામે અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળ્યું ન હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. નાસીરનગરના મુદ્દે તેમણે આક્ષેપ કર્યો હતો કે બિલ્ડરોના ફાયદા માટે ડિમોલિશનની કાર્યવાહી થઈ રહી છે. અસરગ્રસ્ત લોકો પાલિકા કે પોલીસ પાસે રજૂઆત કરે ત્યારે બંને તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો.