દિલ્હી-

વોટ્‌સએપની નવી પ્રાઈવસી પોલિસી અંગે દાખલ થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન વોટ્‌સએપે કોર્ટને જણાવ્યું કે તેણે નવી પ્રાઈવસી પોલિસીને હાલ પોતાની ઈચ્છાથી હોલ્ડ પર રાખી છે.

વોટ્‌સએપે કહ્યું કે જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ ન થઈ જાય ત્યાં સુધી કંપની પોતાના યૂઝર્સને નવી પ્રાઈવસી પોલિસી સ્વીકારવા માટે મજબૂર કરશે નહીં. આ સાથે જ કંપનીએ એમ પણ જણાવ્યું કે પ્રાઈવસી પોલિસી નહીં માનનારા ગ્રાહકો પર હાલ કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ કે રોક પણ લગાવવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટે વોટ્‌સએપ અને તેની પેરેન્ટ કંપની ફેસબુકની એક અરજી પર સુનાવણી ચાલુ હતી. જેમાં કોર્ટે નવી પ્રાઈવસી પોલિસી વિરુદ્ધની તપાસમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. વાત જાણે એમ છે કે ૨૩ જૂનના રોજ દિલ્હી હાઈકોર્ટની એકલ પીઠે વોટ્‌સએપની નવી પ્રાઈવસી પોલિસીની તપાસ મામલે ફેસબુક અને મેસેજિંગ એપ પાસે કેટલીક સૂચના માંતી સીસીઆઈની નોટિસ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો.

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે વોટ્‌સએપને કહું કે તમારા વિરુદ્ધ આરોપ છે કે તમે ડેટા ભેગો કરીને તમારી બીજી કંપનીઓને આપવા માંગો છો, પરંતુ તમે બીજી પાર્ટીની સહમતિ વગર આમ કરી શકો નહીં. કોર્ટે કહ્યું કે આરોપ એવો પણ છે કે ભારત માટે તમારી પાસે અલગ માપદંડ છે. શું ભારત અને યુરોપ માટે તમારી અલગ અલગ નીતિ છે? જેના પર વોટ્‌સએપે કહ્યું કે અમે પ્રતિબદ્ધતા દર્શાવી છે કે સંસદથી કાયદો આવે ત્યાં સુધી અમે કશું કરીશું નહીં. જાે સંસદ અમને ભારત માટે એક અલગ નીતિ બનાવવાની મંજૂરી આપે તો અમે તે પણ બનાવી દઈશું. જાે આમ ન થાય તો તેના ઉપર પણ વિચાર કરીશું. કંપનીએ કહ્યું કે જાે સંસદ અમને ડેટા શેર કરવાની મંજૂરી આપે તો સીસીઈ પણ કશું કહી શકે નહીં.