દિલ્હી-

વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આમ આદમી પાર્ટી યાને આપને કુલ ૩૭.૫૨ કરોડ રુપિયા જેટલી અનુદાન રાશિ મળી હોવાનું જણાવાયું છે, જે વર્ષ ૨૦૧૮-૧૯માં મળેલી ૧૪.૬૧ કરોડની અનુદાન રાશિ કરતા આશરે ૫૭ ટકા જેટલી વધારે છે. પક્ષે ગયા વર્ષે પણ પોતાને મળેલી અનુદાન રાશિ જાહેર કરી હતી.

પ્રુડન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા પાર્ટીને વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૩.૦૬ કરોડ રુપિયા જેટલું અનુદાન મળ્યું છે, જે તેને મળેલા કુલ અનુદાનના ૩૫ ટકા થાય છે, જ્યારે ન્યુ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટે પક્ષને ૧ કરોડ રુપિયા આપ્યા છે. ચૂંટણીપંચને વર્ષ ૨૦૧૯-૨૦માં આપ દ્વારા રજૂ કરવામાં આવેલા રીપોર્ટમાં પોતાને મળેલા બધા જ અનુદાનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, નહીં કે માત્ર પંચના ફરમાન અનુસાર રુપિયા ૨૦,૦૦૦ કે તેથી વધુના જ અનુદાનોનો.

ભારતીય એન્ટરપ્રાઈઝીસ સાથે સંકળાયેલા પ્રુડન્ટ એન્ટરપ્રાઈઝ દ્વારા આપને વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૮ વખત અનુદાન અપાયા હતા, જેમાં રૂપિયા ૧૫ લાખથી માંડીને ૫ કરોડ રુપિયા સુધીના અનુદાનનો સમાવેશ થાય છે. ન્યુ ડેમોક્રેટિક ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા એક જ વખત ૧ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું.