દિલ્હી-

કોરોના મહામારી વચ્ચે સરકાર NEET-JEE ની પરીક્ષાઓ યોજવા જઇ રહી છે. જયારે અનેક વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને કોરોનાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે સાત રાજયોએ NEET-JEE પરીક્ષા હાલ ન યોજવાની માગ સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવાનું નક્કી કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં આ સાત રાજયોના મુખ્ય પ્રધાનોએ બેઠક યોજી હતી જેમાં સર્વ સમ્મતિથી આ પરીક્ષાઓ હાલ ન યોજવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયાર થયા હતા.

જે સાત રાજયો કોરોના મહામારી વચ્ચે પરીક્ષા યોજવાના વિરોધમાં એક થયા છે તેમાં રાજસ્થાન, પંજાબ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સથી આ બેઠક યોજાઇ હતી, જેમાં રાજસ્થાનમાંથી અશોક ગેહલોત, પંજાબમાંથી અમરિંદરસિંહ, ઝારખંડમાંથી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનરજી, મહારાષ્ટ્રમાંથી ઉદ્ઘવ ઠાકરે, છત્તીસગઢમાંથી ભુપેશ બઘેલ, પુડ્ડુચેરીમાંથી વી. નારાયણસામી પણ જોડાયા હતા. 

વિપક્ષ માગણી કરી રહ્યો છે કે હાલ કોરોના મહામારી ચાલી રહી હોવાથી NEET-JEE ની પરીક્ષાઓને ન યોજવામાં આવે. જયારે કેટલાક રાજયોમાં વિદ્યાર્થીઓ પણ પરીક્ષા હાલ યોજવાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે પરીક્ષાઓ રદ નહીં થાય.

સાથે જ ગૃહ મંત્રાલયે એમ પણ કહ્યું છે કે NEET-JEE ની પરીક્ષાઓ રદ કરવાનો હાલ કોઇ જ પ્લાન નથી પણ અંતિમ નિર્ણય શિક્ષણ મંત્રાલય દ્વારા લેવામાં આવશે. મંત્રાલય દ્વારા આ સ્પષ્ટતા કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ ૧૪ લાખ એડમિટકાર્ડ ડાઉનલોડ કરી લીધા છે હવે પરીક્ષા રદ ન કરી શકાય.