લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
1386
અમદાવાદના નારોલ વિસ્તારમાં છૂટા પૈસાની નજીવી બાબતે થયેલી તકરારમાં એક મહિલા પર લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પોતાના માસૂમ પુત્રને માર ખાતો બચાવવા ગયેલી ૪૦ વર્ષીય માતાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નારોલની એક સોસાયટીમાં રહેતી મહિલાનો ૧૨ વર્ષીય પુત્ર ગત શુક્રવારે બપોરે બારેક વાગ્યાના સુમારે ઘર પાસેની કરિયાણાની દુકાને વેફર લેવા માટે ગયો હતો. વેફર ખરીદ્યા બાદ બાકી નીકળતા છૂટા પૈસા પરત આપવા બાબતે દુકાનદાર અયાન કાસીમભાઈ ઘાંચી અને બાળક વચ્ચે માથાકૂટ થઈ હતી.
આ મામૂલી વાત વણસતા ઉશ્કેરાયેલા અયાને બાળકની ફેંટ પકડી તેને ગડદાપાટુનો માર મારવાનું શરૂ કરતા બાળક રડવા લાગ્યો હતો.પુત્રને મુસીબતમાં જાેઈને માતા દોડી આવી હતી અને તેને છોડાવવા વચ્ચે પડી હતી. જાેકે, આવેશમાં આવેલા અયાને માનવતા નેવે મૂકી પોતાની દુકાનમાંથી લોખંડની પાઈપ કાઢી મહિલાના માથા પર ઝીંકી દીધી હતી. આ દરમિયાન આરોપીના ભાઈ આસિફ અને તેના માતા-પિતા નજમાબાનુ તથા કાસીમભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મહિલાને જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી બેફામ માર માર્યો હતો. માથામાં ગંભીર ઈજાને કારણે લોહીલુહાણ હાલતમાં મહિલાને ૧૦૮ મારફતે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેને માથાના ભાગે ટાંકા લેવા પડ્યા હતા. આ હિંસક ઘટના અંગે નારોલ પોલીસે અયાન સહિત ચાર શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.