નડિયાદ : નડિયાદ શહેરના સામાન્ય નાગરિકોમાં જાણે કોરોનાનો ભય ન હોય તેમ હવે રોડ-રસ્તાઓ અને જાહેર માર્ગો પર લોકો માસ્ક વિના જાેવાં મળી રહ્યાં છે. આ પરિસ્થિતિ જિલ્લા પોલીસ વિભાગના ધ્યાને આવતાં તેમણે તમામ પોલીસ પ્રશાસનને આ અંગે સતર્કતા દાખવી લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્ન કરવા તેમજ જરૂર પડ્યે દંડાત્મક કાર્યવાહી કરવા માટે આદેશ કરાયાં છે. 

આ અંતર્ગત આજે નડિયાદ મહિલા પોલીસ મથકના પીએસઆઈ એ.કે. રાઠોડની આગેવાનીમાં ૧૦થી વધારે મહિલા પોલીસ કર્મીઓ નડિયાદના જાહેર માર્ગો પર ઊતર્યા હતાં. શહેરના મુખ્ય માર્ગ એવાં સંતરામ રોડ પર પીએસઆઈની આગેવાનીમાં જાહેર માર્ગો પર માસ્ક વગર ફરતાં તમામ નાગરિકોને માસ્ક પહેરીને ફરવા માટે ટકોર કરાઈ હતી. આ ઉપરાંત રસ્તા પરની મોટી દુકાનોમાં પણ આ પોલીસકર્મીઓએ માસ્ક વગરના દુકાનદારોને ટકોર કરી હતી અને જરૂર જણાતાં દંડ પણ ફટકાર્યો હતો.

છેલ્લાં ઘણાં સમયથી નડિયાદના મુખ્ય વિસ્તારોમાં લોકોની લાપરવાહી દેખાઈ રહી છે. કોરોનાકાળમાં હાલ માસ્ક જ વેક્સિન હોવાનું ખુદ કેન્દ્ર અને રાજ્યની સરકારો સ્વીકારી રહી છે, ત્યારે શહેરમાં માસ્ક અંગે જ લોકોમાં જાગૃતતાનો અભાવ દેખાઈ રહ્યો હતો.

લોકો માસ્ક નાક અને મોંઢાની નીચે કેમ પહેરે છે?

લોકો પોતાનું માસ્ક નાક અને મોંઢાની નીચે રાખવાના આદી બની ગયાં હોય તેમને આ વાઇરસની ગંભીરતા અંગે વાકેફ કરવા જરૂરી બન્યાં હોવાથી ખુદ પોલીસ હવે રસ્તા પર ઊતરી છે. આ અંગે હકારાત્મક સંદેશો આપવા માટે પ્રયત્નશીલ છે.

લોકોને સમજાવવા અભિયાન શરૂ કરાયું ઃ પીએસઆઇ

આ સમગ્ર બાબતે ખેડા જિલ્લામાં નવનિયુક્ત મહિલા પીએસઆઈ એ. કે. રાઠોડે જણાવ્યંુ હતું કે, સામાન્ય નાગરિકોમાં ગંભીરતા જણાતી નથી. કેટલાંક લોકો છે જે આ મુદ્દે સતર્કતા દાખવી કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરે છે, પરંતુ દુકાનોમાં કેટલાંક વેપારીઓ અને સાથે રસ્તા પરની લારી-પાથરણાંવાળા સહિત નાગરિકો માસ્ક મોંઢાથી નીચે ઊતારી અથવા માસ્ક વગર જ ફરતાં હોવાનું જણાતાં મહિલા પોલીસની ટીમે તેમને સમજાવી અને જરૂર પડે દંડ ફટકારી લોકોના હિતમાં જ આ અભિયાન શરૂ કર્યુ છે. આ માટે જિલ્લા પોલીસ વડાએ પણ ચોક્કસ કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે.