વડોદરા, તા.૨૨

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં જન્મજાત બહેરાશ નિવારણ માટે કોકલિયર ઈમ્પ્લાન્ટ અને કાનની અદ્યતન સારવાર તથા શસ્ત્રક્રિયાના જ્ઞાનના આદાન-પ્રદાન કરવા માટે દેશના ઈએનટી નિષ્ણાત તબીબોનો કાર્યશિબિર સાથે સેમિનાર યોજાયો હતો જેમાં ચેન્નાઈ ખાતેના ડો. રવિ રામાલિંગમ, કોલકાતાના ડો. તુષાર કાંતિ ઘોષ સહિત અન્ય નિષ્ણાત તબીબો અને સયાજી હોસ્પિટલના સુપ્રિ. ડો. રંજન ઐયર ઉપસ્થિત રહ્યા હતા.

શહેરની સયાજી હોસ્પિટલમાં બહેરાશ અને કાનના રોગો માટે બે દિવસનો સેમિનાર યોજાયો છે. જેમાં દેશના નિષ્ણાત તબીબોએ દર્દીઓની પ્રત્યક્ષ શસ્ત્રક્રિયા કરવાની સાથે ભાગ લઈ રહેલા તબીબોને ઉપયોગી પ્રશિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ બે દિવસીય કાર્યશિબિરમાં વિવિધ અને જટિલ સમસ્યા ધરાવતા સાતથી વધુ દર્દીઓની શસ્ત્રક્રિયા કરી તકલીફ દૂર કરવામાં આવશે. આ કાર્યશિબિરમાં દેશભરમાંથી ૯૬ જેટલા નિષ્ણાત તબીબોએ ભાગ લીધો હતો. જેનું નેતૃત્વ ચેન્નાઈના ડો. રવિ રામલિંગમ અને કોલકાતાના ડો. તુષાર કાંતિ ઘોષ બે દિવસીય વડ ઓટો કોનનું કાર્ય કરી રહ્યા છે.

આ કાર્યશિબિરની જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના સુપ્રિ. અને કાન, નાક, ગળા વિભાગના વડા ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ કાર્યશાળા મુખ્યત્વે બંને કાનોની જન્મજાત બહેરાશના નિવારણ માટેની કોકલિયર ઈમ્પ્લાન્ટ અને અન્ય શસ્ત્રક્રિયાઓ કરવાની સાથે તબીબોને અદ્યતન સારવાર-સર્જરી અને માર્ગદર્શન આપવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.‘’