ગોધરા, તા.૧ 

કાલોલ તાલુકાના મોટી પીંગળી ગામના રોહિત વાસના જાગૃત યુવાનોએ સોશ્યિલ મીડિયામાં તેમના વિસ્તારમાં પાછલા પંદર દિવસથી પાણીની વકરતી સમસ્યા અને તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે, તેમના વિસ્તારની પાણીની સમસ્યા અંગે સોશ્યિલ મીડિયામાં અને ઓનલાઈન રજુઆત મુજબ ગામમાં પંચાયતની વાસ્મો યોજના કાર્યરત છે, પરંતુ પાણી પુરવઠાની કોઈ સમસ્યાને કારણે પાછલા પંદર દિવસથી તેમના રોહિત વાસમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો છે, તદ્‌ઉપરાંત રોહિત વાસમાં આવેલો એક હેન્ડપંપ પાછલા ઘણા સમયથી બંધ હાલત ભોગવતો હતો, જેના નિરાકરણ માટે સ્થાનિક પંચાયત ઉપરાંત હેન્ડપંપ સમારકામ વિભાગને ફોન અને જિલ્લા પાણી પુરવઠા વિભાગના જવાબદાર તંત્રને ઓનલાઈન રજુઆત કરી હતી. તદ્‌ઉપરાંત આ બાબતે જિલ્લા પાણી પુરવઠા વિભાગની વેબસાઈટ પર ગોધરા સ્થિત મુખ્ય ઈજનેરનો સંપર્ક કરતા એ રજીસ્ટર નંબર કોઈ અન્ય વિભાગના બીજા અધિકારી પાસે હતો. જેમના દ્વારા સુચિત તંત્રના જવાબદાર અધિકારીઓને ફોન કરતા રજાના કારણે ફોન ઉપાડતા નથી, આમ એક અઠવાડિયાથી ડિજિટલ કહેવાતા તંત્રની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી હતી. જે અંતર્ગત આગામી દિવસોમાં રજાઓનો માહોલ જોતા તાજેતરમાં અસરગ્રસ્ત વિસ્તારના યુવાનોએ સરપંચ અને ગામના ટેકનિકલ શ્રમજીવીઓની મદદથી આર્ત્મનિભર બની જાત મહેનત કરી હેન્ડપંપની નવી ચેઇન ખરીદીને હાલ પુરતા ટેમ્પરરી રીતે રીપેરીંગ કરી હેન્ડપંપને ચાલુ કરી પાણીની સમસ્યાને હલ કરી હતી. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારી અંગે સરકાર વારંવાર હાથ ધોવાનું કહે છે, ત્યારે બીજી તરફ ભર ચોમાસામાં પણ પીવાનું પાણી પણ મળતું નથી, ડિજિટલ બનેલા તંત્રની ઓનલાઈન રજુઆતનો કોઈ પ્રતિભાવ કે સાઈટ પર મુકેલા રજીસ્ટર નંબર પણ આળાઅવડા હોય છે ત્યારે તંત્રની સઘન કાર્યવાહી અંગે આર્ત્મનિભર બનેલા જાગૃત યુવકોએ સોશ્યિલ મીડિયામાં સવાલો ઉઠાવ્યા હતા.