વડોદરા, તા.૪ 

ષષ્ઠપીઠાધિશ્વર ગો.શ્રી દ્વારકેશલાલજી મહારાજનો જન્મદિવસ આજે કારતક વદ-૪ તા.૪ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ શ્રી કલ્યાણરાયજી મંદિર ખાતે ઉજવવામાં આવ્યો હતો. સવારે રાજભોગમાં કલ્યાણરાય પ્રભુના સુવર્ણપલના તેમજ નંદમહોત્સવના દર્શન તેમજ પૂ.મહારાજના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે યોજાનારી માર્કન્ડેય પૂજાનું આયોજન કોરોના વાઈરસની મહામારીને કારણે આ વર્ષે યોજવામાં આવેલ ન હતું. આજે જગદ્‌ગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીના વંશજ એવમ્‌ ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજના જયેષ્ઠપુત્ર ષષ્ઠગૃહ યુવરાજ ગો. આશ્રયકુમારજી મહોદયનાના ત્યાં પુત્રના જન્મનો મહામુળો શુભઅવસર પણ ઉજવાયો હતો. આ શુભ પ્રસંગે ગો. આશ્રયકુમારજીનું મંગલસ્નાન કરાવવામાં આવ્યું હતું અને સાંજે પ.૩૦ કલાકથી વેદ પાઠ ધ્વનિ દ્વારા પૂ. મહારાજનો સત્કાર સન્માન કરવામાં આવ્યો હતો. તેમાં શહેરના અગ્રણીઓ, વૈષ્ણવો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અનેરા ઉત્સવે પૂ. મહારાજની નિશ્રામાં ચાલતા વિપો ગ્લોબલ સંસ્થાના માધ્યમથી વિવિધ સેવાકાર્યોની ઉજવણી આ વર્ષ દરમિયાન કરવામાં આવશે જેની જાહેરાત આજે કરવામાં આવી હતી. જેમાં સવિશેષ પુષ્ટિભક્તિ માર્ગની નજરે હિન્દુ ધર્મ, વિશ્વની સૌથી જૂની અને સંસ્કૃત ભાષાનો ઓનલાઈન ક્લાસીસ, શ્રી વલ્લભાચાર્યજીની વર્ષોજૂની આયુર્વેદિક સામગ્રીનો અભ્યાસક્રમ ઓનલાઈન આસ્ક ટુ આચાર્ય જેવા પ્રોગ્રામોની શરૂઆત કરવામાં આવશે.