વડોદરા : એક તરફ સરકાર દ્વારા મોટી મોટી વાતો અને જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ બીજી તરફ તંત્રની બેદરકારી અવારનવાર સામે આવી રહી છે. વડોદરા શહેરની ૩૯૯ આંગણવાડીઓમાં ૧૦ હજારથી વધુ બાળકોને પાંચ દિવસથી નાસ્તો કે ભોજન આપવામાં આવ્યું નથી તેવી વિગતો પ્રકાશમાં આવી છે. સરકારે ૩૧ માર્ચ બાદ તેલનો જથ્થો પણ વડોદરાની આંગણવાડીઓ માટે મોકલ્યો નથી, જેથી બાળકો ભૂખ્યાં થાય એટલે આંગણવાડીમાં બેસતાં નથી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતે આજે નવાયાર્ડ વિસ્તારમાં આવેલી આંગણવાડીની મુલાકાત લીધી હતી અને આંગણવાડીના બાળકોને છેલ્લા પાંચ દિવસથી ભોજન મળ્યું નહીં હોવાની વિગતોની તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું. આ ઉપરાંત વડોદરામાં આંગણવાડી માટે તેલનો જથ્થો પણ આવ્યો નથી તેવી વિગતો બહાર આવી હતી.

તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની અમને ફરિયાદ આવી હતી કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી આંગણવાડીમાં નાસ્તો આપવામાં આવતો નથી. તપાસ કરતાં ખબર પડી કે ૩૧ માર્ચથી રાજ્ય સરકાર દ્વારા તેલનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે જે અક્ષયપાત્ર સહિતની એજન્સીઓ દ્વારા વડોદરમાં ૩૯૯ આંગણવાડીઓમાં ૧૦ હજારથી વધુ બાળકોને છેલ્લા ત્રણ-ચાર દિવસથી નાસ્તો આપવામાં આવ્યો નથી. આજે સ્થળમુલાકાત કરતાં હકીકત ખબર પડી છે કે, છેલ્લા પાંચ દિવસથી આંગણવાડીમાં નાસ્તો આપવામાં આવ્યો નથી, તેથી બાળકો ભૂખ્યાં થાય એટલે આંગણવાડીમાં બેસતાં નથી.

વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ ગુજરાત સરકાર સૌ ભણશે - સૌ ગણશેના સૂત્રો આપતી હોય છે, કુપોષણને દૂર કરવાની વાતો કરતી હોય છે, પણ કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ૧૫ દિવસથી તેલનો પુરવઠો ન આવે તો આંગણવાડીમાં નાસ્તો કઇ રીતે અપાય? મ્યુનિસિપલ કમિશનર પણ તેમની જવાબદારીમાંથી ચૂકયાં છે.

પાંચ દિવસથી નાસ્તો ન મળતો હોય, તેલનો પુરવઠો ન હોય તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવી તેમની ફરજ હતી તેમ તેમણે કહ્યું હતું.