અરવલ્લી : મોડાસા શહેરમાં રઝળતા પશુઓ અને આખલાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે.મોડાસા શહેરના જાણીતા શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલ સાડી કપડાં મેચીંગ સેન્ટરની દુકાનમાં મહિલા ગ્રાહકો ખરીદી કરવામાં મશગુલ હતી ત્યારે આખલો દુકાનમાં ધસી આવતા અફરાતફરી મચી ગઇ હતી. દુકાન માલિકે હિંમતભેર આખલાનો સામનો કરી દુકાનમાં જાનહાની થાય તે પહેલા ભગાડી મુકયો હતો. આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો.સોમવારે સાંજના સુમારે શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં આવેલી કપડાં મેચીંગ સેન્ટરમાં મહિલા ગ્રાહકો ખરીદી કરી રહી હતી.અન્ય એક મહિલા ખરીદી કરવા દુકાનમાં પ્રવેશી રહી હતી ત્યારે પાછળથી એક ખૂંટિયા દુકાનની અંદર ઘુસી આવતા મહિલાઓ આખલાને જોઈ બુમાબુમ કરી મૂકી જીવ બચાવવા એકબીજા પર પડ્યા હતા. આખલો જોઈ દુકાનદારે ભારે આખલા સામે બાથ ભીડી આખલાના શીંગડા પકડી દુકાનમાંથી બહાર તગેડી મુકતા મહિલા ગ્રાહકોએ હાશકારો અનુભવ્યો હતો.