વડોદરા, તા.૧૦

દેશના સૌથી મોટા નકલી સોનાના સોદાગરબંધુઓની તપાસમાં વાપી પોલીસે શહેરમાં ધામા નાખ્યા છે. રાજ્ય સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં નકલી સોનું પધરાવી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ભીમા અને પ્રભુ સોલંકી ઉપરાંત પરિવારજનો સામે વાપી પોલીસ મથકે સવા કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પાંચમી ફેબ્રુઆરીએ નોંધાઈ હતી.

ગોવિંદભાઈ કરશનભાઈ બોરડા રહે. એમ્બીવેલી હાઈટ્‌સ, ઉતરાણ, સુરત ખાતે રહેતા વેપારીએ ભીમા અને પ્રભુ સોલંકી અને તેમની માતા, બહેન-બનેવી તમામ રહે. બી/૨૯, કલ્યાણનગર સોસાયટી, આજવા રોડ સામે રૂા.૧.૧૦ કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં સેલવાસ ખાતે પારસીના ઘરનો પાયો ખોદતાં બ્રિટિશકાળના કિંમતી સોના-ચાંદીના સિક્કા મળી આવ્યા હતા અને એ સસ્તા ભાવે વેચવાની લાલચ ભીમા સોલંકીએ રૂા.૧.૧૦ કરોડ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પિતરાઈ ભાઈને મળવા સુરતથજી મુંબઈ જતાં ગોવિંદભાઈએ હાઈવે ઉપર ચા-નાસ્તા માટે વિરામ લેતાં મજૂરના વેશમાં આવેલા ભીમા સોલંકીએ ભૂખ લાગી છે, જમાડી દો એમ કહેતાં જમવાના બદલામાં ગોવિંદભાઈને સોનાનો સાચો સિક્કો આપ્યો હતો અને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં સુરતની પ્યોરિટી ટેસ્ટિંગ લેબમાં આ સિક્કો ઓરિજિનલ નીકળતાં ફોન કરી તદ્દન સસ્તા ભાવે સોનું ખરીદવા ગોવિંદભાઈ તૈયાર થયા હતા અને વાપી જીઆઈડીસી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળવાનું ભીમાએ જણાવ્યું હતું અને ગોવિંદભાઈ મોટી રકમ લઈ ઢાબા ઉપર પહોંચ્યા હતા. ત્યાંથી ભીમાએ જણાવતાં ગાડીમાં બેસાડી આગળ લઈ ગયા હતા, જ્યાં રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે પ્રભુ સોલંકી, દિનેશ ઉર્ફે ભીમા સોલંકી, એમની માતા, બહેન-બનેવી વચ્ચે સોનાના સોદાની વાત થઈ હતી. ત્યાં પોટલીમાં સોનાના સિક્કા લઈ સેમ્પલ માટે માગ કરતાં સિક્કા આપીએ એમ જણાવ્યું હતું. ત્યારે ગોવિંદભાઈએ સાત સિક્કાની માગ કરતાં પોટલી આપીને એની માતાએ સાત સિક્કા કાઢી લેવા જણાવ્યું હતું. એનું પણ ટેસ્ટિંગ કરાવતાં એ સોનું સાચું નીકળ્યું હોવાથી ગોવિંદભાઈને વિશ્વાસ બેઠો હતો. બાદમાં રૂા.૧.૧૦ કરોડની રોકડ રકમના બદલામાં ૪ર કિલો નકલી સોનું પધરાવી ભીમા સોલંકી પરિવાર સહિત ફરાર થઈ ગયો હતો અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. જાે કે, નકલી સોનું વેચવામાં માહેર ભીમો અને પ્રભુ વડોદરાના હોવાથી આ ફરિયાદ નોંધાવી ફોનના રેકોર્ડિંગ ઉપરાંત સોદા સમયે ગુપ્ત રીતે લીધેલા ફોટા સહિતની પેઈનડ્રાઈવ, સીડી પણ પોલીસને સોંપવામાં આવી છે. વાપી પોલીસે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦બી ૧૧૪ મુજબ ગુનો નોંધી નકલી સોનું પધરાવનાર ભીમા સોલંકી અને પરિવારની શોધખોળ માટે વડોદરામાં ધામા નાખ્યા છે. એમના નિવાસસ્થાન બી/૨૯ કલ્યાણનગર સોસાયટી, આજવા રોડ ખાતે તપાસ ચલાવી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુદ્ધ અગાઉ કડોદરા, કોસંબામાં પણ કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

ભીમાનો પુત્ર રાહુલ પણ ધંધામાં જાેડાયો

ભીમા અને પ્રભુ સોલંકીએ નકલી સોનું પધરાવી કરોડો રૂપિયા કમાઈ લીધા બાદ હવે ભીમાનો પુત્ર રાહુલ પણ છેતરપિંડીના ધંધામાં જાેડાયો છે અને હાલમાં જ પાંચ કરોડની છેતરપિંડી કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.