વડોદરા, તા.૧૮

શહેરના સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં એક મહિલાએ ઝેરી દવા પી લીધા બાદ તરફડિયાં મારતાં ગંભીર હાલતમાં તેણીને દવાખાને ખસેડવામાં આવી હતી. પોતાની પાસે રહેલી પાણીની બોટલમાં જંતુનાશક દવા ગટગટાવી લીધા બાદ મોંઢામાંથી ફીણ નીકળતાં એક સ્ટોલધારકે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પોલીસને જાણ કરવામાં આવતાં સયાજી હોસ્પિટલ ખાતે મહિલાને દાખલ કરવામાં આવી હતી. જ્યાં હાલત ગંભીર હોવાનું જણાવાય છે.

એસ.ટી. ડેપોમાં આજે બપોરે સુરતની એક મહિલાએ ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ આપઘાતનો પ્રયાસ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.

મળેલી માહિતી પ્રમાણે સુરત ઉધના ગામ સ્થિત અનમ સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય હાજરાબાનુ અસલમભાઈ અંકુરા બસ દ્વારા વડોદરા આવી હતી અને પોતાની પાસે રાખેલી જંતુનાશક દવા પાણીમાં ભેળવીને ગટગટાવી ગઈ હતી.

ડેપોમાં શરબત વેચાણનો સ્ટોલ ચલાવતી એક મહિલાને આ મહિલા ઉપર શંકા જતાં તુરત જ અન્ય લોકોની મદદ લઈને દોડી ગઇ હતી અને ઝેરી દવા ગટગટાવી લેનાર હાજરાબાનુને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

મહિલા હોસ્પિટલમાં જવા માટે પણ તૈયાર ન હતી. જાે કે એમ્બ્યુલન્સના સ્ટાફે મહિલાને જબરદસ્તીથી હોસ્પિટલમાં લઈ જઈ દાખલ કરી દીધી હતી. સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે મહિલાએ

ગૃહકલેશના કારણે આ પગલું ભર્યુ હોવાનું મનાઈ રહ્યું છે.