ગાંધીનગર, આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચર્ચામાં આવેલાં કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિરમ દેસાઈનો ગાંધીનગર સેક્ટર-૭નો બંગલો સીલ કરવામાં આવ્યો છે. અને બંગલા પર બે પોલીસકર્મીને પણ બંદોબસ્તમાં મુકવામાં આવ્યા છે. રૂ. ૩૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે. એસીબી દ્રારા બંગલા પર નોટિસ લગાવીને બંગલો સીલ કરવામાં આવ્યો છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસે ઓડી, બીએમડબલ્યુ, જેગુઆર, રેન્જ રોવર જેવી ૧૧ વૈભવી કાર, બે બંગલા, ૩ ફ્લેટ અને ૧૧ દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. એસીબીએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. ૨૪.૯૭ કરોડ થતી હતી. પરંતુ તેની સામે રૂ. ૫૫.૪૫ કરોડ રોકાણ કરેલું મળી આવ્યું હતું. 

કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર વિરમ દેસાઈની ૩૦ કરોડની અપ્રમાણસર મિલકતનો કેસ એસીબીએ કર્યો છે. જ્યારે પ્રોપર્ટી માર્કેટ સાથે સંકળાયેલા લોકો કહે છે કે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ગુજરાતની તમામ પ્રોપર્ટીમાં ૯૦૦થી ૧૫૦૦ ટકાનો વધારો થયો છે. જેમાં જમીનની કીંમતમાં આનાથી વધુ વધારો થયો છે. જેથી એવુ અનુમાન કરી શકાય કે એસીબીએ ૩૦ કરોડની પ્રોપર્ટી જાહેર કરી છે તેની વાસ્તવિક બજાર કીંમત ઓછામા ઓછી ૧૦૦ કરોડ હોઈ શકે છે. જાે સારા લોકેશન પર માત્ર ખાલી જમીન જ હોય તો કીંમત ૧૦૦ કરોડથી વધુ વધુની હશે.