રાજપીપળા,  કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા જાહેરનામુ બહાર પાડી ગુજરાત રાજ્ય દ્વારા પણ જરૂરી ઠરાવ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી ) માટેનું એક મહેકમ પણ જાહેર કર્યું છે.નર્મદા જિલ્લામાં શૂલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઈકો-સેન્સેટીવ ઝોન નિર્ધારીત કરવામાં આવેલ છે.જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરૂડેશ્વર, ડેડીયાપાડા અને સાગબારાના કુલ-૧૨૧ ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે.આ ગામોમાં હાલ કામગીરી ચાલુ થઈ ગઈ છે તલાટીઓ દ્વારા ખેડૂત ખાતેદારોના ખાતામાં ૧૩૫ ની એન્ટ્રી પણ પાડવામાં આવી હોવાની વાતને લઈને લોકોમાં ફફડાટ અને રોષ ફેલાયો છે.  

આ ૧૨૧ ગામોનો રોષ ૫૦૦ ગામોમાં પરિવર્તિત થઈને એક મોટુ આંદોલન ન બને એ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ મામલે જણાવ્યું હતું કે ઈકો સેન્સીટીવ ઝોનની રચનાનો મુખ્ય હેતુ પર્યાવરણની જાળવણીનો છે.જેનાં કારણે પરિસરિય પ્રવાસનની પ્રવૃત્તિને વેગ મળે છે અને સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થાય છે.હાલ પણ કેવડિયા ખાતે જ નર્મદા જિલ્લાનાં ૨૦૧૭ સ્થાનિક અસરગ્રસ્તો તથા શિક્ષિત બેરોજગારો અને આદિવાસીઓને રોજગારી આપવામાં આવી છે.ઈકો સેન્સીટીવ ઝોન અંગે જે તે ગામની જમીનોનાં બીજા હક્કમાં નોંધ પાડવાનો હેતુ માત્ર સરકારી તંત્રની જાણકારી બહાર મોટા ઔધોગિક ગૃહો દ્વારા અથવા અન્ય દ્વારા આ વિસ્તારની જમીનોમાં પર્યાવરણને નુકશાન કરે તેવી કોઈ પ્રવૃત્તિ ન થાય તે માટે નિયંત્રણ મૂકવાનો છે.જમીનનાં બીજા હક્કમાં ઈકો સેન્સીટીવ ઝોન અંગેની નોંધ કરવાથી જમીનની માલિકી હક્કમાં કોઈ ફેરફાર થતો નથી તેમજ ખાતેદાર આવી જમીન ગમે ત્યારે અન્યને વેચી શકે છે.આ જમીનો જે તે ખાતેદારોની જ રહે છે.આ નોંધ પાડવાના કારણે વન વિભાગનો કોઈ માલિકી હક્ક ઉભો થતો નથી.

ઈકો સેન્સીટીવ ઝોનમાં આવેલ જમીનોમાં મોનીટરીંગ કમિટીની મંજુરીથી રહેણાંક, હોટલ, રીસોર્ટ પર્યાવરણને નુકશાન ન થાય તેવા લઘુ ઉદ્યોગો વિગેરે બિનખેતી વિષયક પ્રવૃત્તિઓ કરી શકાય છે.આ વિસ્તારમાં ફક્ત પ્રદૂષણ ફેલાવતા મોટા ઉદ્યોગોની સ્થાપના પર નિયંત્રણ મૂકવામાં આવેલ છે.ઈકો સેન્સીટીવ ઝોન અંગેની બીજા હક્કમાં નોંધ પાડવાનો હેતુ આ વિસ્તારની જમીનો મોટા ઔદ્યોગિક ગૃહો તથા અન્ય વ્યક્તિઓ દ્વારા જાણ પાણી તથા હવાને પ્રદૂષિત કરે તેવા ઉદ્યોગોની સ્થાપના ના થાય તે છે. જાેકે તંત્ર દ્વારા જરૂરી સ્પષ્ટતા કરવા આધિકારીઓ પણ નિમાયા છે.