અમદાવાદ-

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા નિયમો સાથે નિકળી. રાજ્ય સરકારે કોરોના નિયમોના પાલન સાથે રથયાત્રા યોજવાની મંજૂરી આપ્યા બાદ આજે રથયાત્રામાં રથ સહિત માત્ર 5 જ વાહન અને 60 જેટલા ખલાસી ભાઈઓ જોડાયા. રથયાત્રાના 19 કિલોમીટરના રૂટ પર સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. ઈતિહાસમાં પ્રથમવાર ભક્તો, ગજરાજ, ભજનમંડળી કે અખાડા વિના રથયાજ્ઞા યોજાશે. રથયાત્રા દરમિયાન ભક્તોના દર્શન કે પૂજા કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. 


આ ઉપરાંત પ્રસાદ વિતરણ પણ કરી શકાશે નહીં. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલનાં હસ્તે પહિંદવિધિ કરવામાં આવી હતી. સરસપુરમાં ભગવાનના મોસાળ ખાતે રથયાત્રા થોડો સમય જ રોકાશે. સરસપુરમાં દર વર્ષની જેમ યોજાતા ભોજન પ્રસાદ પર પણ પ્રતિબંધ લગાવાયો છે. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રાના દર્શન ભક્તોએ માત્ર ટીવી પર જ કરવાના રહેશે.