નડિયાદ : ધારાસભ્યના એક વાઇરલ વીડિયો સામે ખેડા જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. માસ્કના દંડ ઉરાવવાની ખેડા જિલ્લા પોલીસની સિસ્ટમ વિરુદ્ધ માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો એક વીડિયો સોમવારે સાંજે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ભાજપના જ ધારાસભ્યએ જે દાવાઓ કર્યાં છે તેનું માનીયે તો સરકારમાં માસ્કના દંડનો ટાર્ગેટ પૂરો થતો ન હોવાથી માતર તાલુકાના બે પોલીસ અધિકારીની બદલી ખેડાના એસપીએ કરી હતી. આ વીડિયો વાઇરલ થયાં પછી આજે ખેડા જિલ્લાના પોલીસ વડાનો એક પરિપત્ર વાઇરલ થયો છે. આ પરિપત્ર મુજબ, હાઇવે ઉપર અને ભીડ ન હોય ત્યાં દંડ ન ઉઘરાવા આદેશ કરાયો છે. 

માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહએ સોમવારે સાંજે એક વીડિયો દ્વારા ખેડા જિલ્લા પોલીસ વડા વિરુદ્ધ માસ્કના દંડના ટાર્ગેટની સિસ્ટમને લઈને ભડભડ રોષ ઠાલવ્યો હતો. આ વીડિયો વાઇરલ થયાંના ગણતરીના કલાકોમાં જ આજે સવારે જ ડીએસપી કચેરીથી માસ્કના દંડ ઉઘરાવવા નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જૂની પ્રણાલી રદ કરી કોઈને ખોટી રીતે દંડ ન લેવાં તાકીદ પણ કરવામાં આવી છે. હાઈવે ઉપર અને જ્યાં ભીડ એક્ત્ર ન થતી હોય ત્યાં દંડ ન ઉઘરાવવા પણ જણાવ્યું છે.

માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહના વીડિયોમાં શું છે?

ખેડા જિલ્લા પોલીસ વડા દિવ્ય મિશ્ર દ્વારા છેલ્લાં બે દિવસ દરમિયાન માતર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી અને લીંબાસી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. દત્તાની બદલી કરી છે. આ આદેશ સામે માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રોષ વ્યક્ત કર્યો હતો. લગભગ બે મિનિટના વીડિયોમાં કેસરીસિંહે બળાપો વ્યક્ત કરતાં આક્ષેપ કર્યાં હતાં કે, સરકાર દ્વારા અમારાં લાખ રૂપિયાના પગારમાંથી ૩૦ હજાર રૂપિયા કોરોના નિમિત્તે જમા લેવામાં આવે છે. બચેલાં ૭૦ હજાર પણ એસપી ઓફિસમાં જમા લઇ તેમાંથી માતર મત વિસ્તારમાં આવતાં માતર, ખેડા, લીંબાસી અને વસો પોલીસ મથકના હદ વિસ્તારમાં માસ્ક વિતરણ કરો. આખા ગુજરાતમાં એસપી તરીકે વાહ વાહ તમે મેળવો છે, પણ અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજ્યમાં કોઇ એસપી માસ્કના નામે આ રીતે પૈસા ઉઘરાવતા નહીં હોય. ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશન દીઠ ૪૦ કેસ એટલે કે રૂ.૪૦ હજારનો ટાર્ગેટ આપવામાં આવે છે. મારાં મત વિસ્તારમાં ચાર પોલીસ સ્ટેશન આવે છે, જેમાં લીંબાસી અને માતર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. જે અંગે પૂછતા તેઓએ માસ્કના દંડના ટાર્ગેટ સરકારમાં પૂરાં ન થતાં હોવાનું જણાવ્યું હતું. એટલાં માટે બદલી કરી છે એવું કહ્યું હતું. આ ટાર્ગેટના કારણે ગ્રામ્ય પ્રજા હેરાન થઈ ગઈ છે, એવું પણ ધારાસભ્યએ વીડિયોમાં કહ્યું છે.

નવાં પરિપત્રમાં ખેડાના ડીએસપીએ શું સૂચના આપી છે?

ખેડાના ડીએસપી દ્વારા જે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે તેમાં એવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, હાલની કોરોના મહામારી સંક્રમણ અનુસંધાને પોલીસ અધિક્ષક કચેરીએથી માસ્કના કેસો કરવાનો ટાર્ગેટ રોજે રોજ આપવામાં આવે છે, જે બાબતે આપને ખાસ સૂચના આપી જણાવવામાં આવે છે. જે-જે સ્થળો અને વિસ્તારમાં વધુ લોકો એકત્ર થવાના કારણે વધુ ભીડ થતી હોય છે, તેવાં સ્થળો નક્કી કરી માસ્કના કેસો કરવાની કામગીરી કરવાની રહેશે અને જાહેર માર્ગો ઉપર સદર કામગીરી કરવી નહીં. હાઇવે રોડ ઉપર માસ્કના કેસોની કામગીરી કરી લોકોને હેરાન કરવામાં ન આવે તે માટે સંબંધિત ના.પો. અધિકારીઓએ સુપરવિઝન રાખી અમલવારી કરાવવાની રહેશે.

શું કેસરીસિંહને હારી જવાનો ભય લાગી રહ્યો છે?

અમારાં અહીં ગામડાં લેવલે તાલુકા પંચાયતોનું ઇલેક્શન આવે છે, અમારે હારી જવાનું છે પછી?, આવું કંઈક ભાજપના માતરના ધારાસભ્ય કેસરીસિંહે વાઇરલ વીડિયોમાં કહ્યું છે! ધારસભ્યએ એવો સ્પષ્ટ ડર વ્યક્ત કર્યો હતો કે, આગામી તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ટાર્ગેટ પૂરાં કરવા સતત દંડ ફટકારવામાં આવતો હોવાથી મતદારોમાં નકારાત્મક અસર પડે અને તેને કારણે તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર થાય તેવી બીક ધારાસભ્યએ સ્પષ્ટ વ્યક્ત કરી છે.

ધારાસભ્યના આક્ષેપો શું છે?

• માસ્કના આપેલાં ટાર્ગેટ પૂરાં થતાં ન હોવાથી બે પોલીસ મથકના અધિકારીની બદલી

• ખેડા જિલ્લા એસપી બે મહિનાથી પીએસઆઇને રજૂઆત કરતાં હતાં, પણ માસ્કનો દંડ વસૂલવામાં ટાર્ગેટ પૂરો થતો ન હતો

• આખા ગુજરાતમાં એસપી તરીકે તમારી વાહ વાહ કરાવવા ગામડાં લેવલે અમારી પતર કેમ ઠોકો છો?

• તમારી વાહ વાહ સરકારમાં કરાવવી છે કે, ખેડાના એસપી બહુ સારાં, સરકારમાં માસ્કના પૈસા બહુ જમા કરાવે છે

• અમારાં અહીં ગામડાં લેવલે તાલુકા પંચાયતોનું ઇલેક્શન આવે છે, અમારે હારી જવાનું છે પછી?