વડોદરા, તા.૪

મ.સ.યુનિ.માં કૂતરાંઓનું ટોળું કોમર્સ ફેકલ્ટીના કેમ્પસમાં તો ફરતું જ હતું પરતું હવે રીડીંગ રુમમાં વિદ્યાર્થીઓ વચ્ચે અવર-જવર કરતા તેમજ ત્યાં બેસેલા જાેવા મળ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ કૂતરાંની બીક થી તેમજ તેમના ભસવાના અવાજના કારણે વાંચનમાં ખલેલ પહોંચતી હોવાથી રીડીંગ રુમમાં બેસીને વાંચવાનું ટાળતા જાેવા મળ્યા હતા.

સમગ્ર શહેરમાં ગાયો બાદ કુતરાંઓના ત્રાસથી મોટાભાગના શહેરીજનો ત્રસ્ત જાેવા મળી રહ્યા છે. છાશવારે કુતરુ કરડવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે મ.સ.યુનિ.ની સૌથી મોટી ગણવામાં આવતી ફેકલ્ટી ઓફ કોમર્સના કેમ્પસમાં કુતરાંઓનું સામ્રાજ્ય જાેવા મળ્યુ હતું. કેમ્પસમાં ફરવાની સાથે રીડીંગ રુમ તેમજ કલાસરુમમાં પણ બેસતા તેમજ આટાં – ફેરાં મારતા થઈ જતા વિદ્યાર્થીઓમાં કૂતરાઓનો ભય જાેવા મળ્યો હતો. કૂતરાઓની અવર – જવરના કારણે વિદ્યાર્થીઓ રીડીગ રુમમાં જઈને વાંચી પણ ન શકતા હોવાની ફરીયાદ સામે આવી હતી જેથી આ બાબતે સત્તાધીશોનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા તેઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. પરતું વિદ્યાર્થી નેતાઓ તેમજ સેનેટ સભ્યોએ તેમના મંત્વ્યો લોકસત્તા – જનસત્તાને જણાવ્યા હતા.

પોલિટેકનિક કોલેજમાં સરીસૃપો નીકળવાના બનાવ બન્યા છે

એનએસયુઆઈના અમર વાધેલાએ જણાવ્યું હતુ કે, અગાઉ પોલીટેકનીક ફેકલ્ટીમાં સરીસૃપો તેમજ અન્ય જીવો નિકળવા બાબતે અમે ડીનને રજૂઆત કરી હતી. ત્યારબાદ હવે કોમર્સ ફેકલ્ટીમાં કૂતરાં નિકળવાની વાત સામે આવી છે જે ગંભીર કહેવાય. યુનિ. અને ફેકલ્ટીના મેનેજમેન્ટમાં ખામી છે તે દૂર કરીને યોગ્ય રીતે કાર્ય કરવું જાેઈએ. તે સિવાય જાે કોઈ વિદ્યાર્થીને કરડી જાય તો તેનું જવાબદાર કોણ રહેશે? તેમ જણાવ્યું હતું.

અસામાજિક તત્ત્વો સાથે હવે શ્વાનનો આતંક

સેનેટ સભ્ય કપિલ જાેષીએ જણાવ્યું હતુ કે, યુનિ.માં સિક્યોરીટી માટે લાખોની રકમ ફાળવવામાં આવે છે પરતું સિક્યોરીટી બાબતે બેદરકાર તંત્ર જ જાેવા મળ્યું છે ત્યારે અગાઉ લૂખ્ખા તત્વો કેમ્પસમાં ઘૂસી જઈને ધમાલ મચાવતા હતા અને હવે કૂતરાંઓ કેમ્પસમાં આવી જઈને બેસે છે. આ યુનિ.ના રેઢીયાળ તંત્રની પોલ ખોલતો બનાવ છે.

માત્ર શ્વાનનો ત્રાસ નહીં પરંતુ સ્વચ્છતાનો પણ અભાવ

એબીવીપીના હર્ષિલ રબારીએ જણાવ્યું હતુ કે, કોમર્સ ફેકલ્ટીના રીંડીંગ રુમની આસપાસ સખત ગંદકી હોય છે જેને કારણે વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર પણ નથી થઈ શકતા અમુક વિદ્યાર્થીઓ કચરાંની ગંધમાં પણ વાંચવા બેસે છે પરતું તેઓ શાંતિથી એક ચિત્તે વાંચી પણ નથી શક્તા. કૂતરાંઓનો ત્રાસ વધતો ગયો છે.

ફેકલ્ટી સત્તાધીશોની ઘોર બેદરકારી

વિશ્વ વિખ્યાત મ.સ.યુનિ.ની ફેકલ્ટીમાં કૂતરાંઓ ફરે તે શરમજનક બાબત કહેવાય. કલાસરુમ સુધી કુતરાઓ પહોંચી જાય તે છતાં તેને કાઢવામાં ન આવે તે ફેકલ્ટીની તેમજ સત્તાધીશોની ગોર બેદરકારી ગણી શકાય. તાત્કાલિક ધોરણે આ બાબતે પગલાં લેવા જાેઈએ તેમ સેનેટ – સિન્ડિક્ેટ સભ્ય હસમુખ વાધેલાએ જણાવ્યું હતું.