વડોદરા : જિલ્લા એસઓજી પીઆઈના પત્ની સ્વિટી પટેલ ગુમ થવાના ચકચારી પ્રકરણમાં જિલ્લા પોલીસને હજુ સુધી કોઈ કડી મળી નથી. ત્યારે પીઆઈના પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે જિલ્લા પોલીસે કરજણ કોર્ટમાંથી મંજૂરી મેળવીને તેમને આવતીકાલે ગાંધીનગર ખાતે બંને ટેસ્ટ માટે લઈ જનાર હોવાનું જાણવા મળે છે.

જિલ્લા પોલીસને હજુ સુધી સ્વિટી પટેલની હયાતી અંગેનો કોઈ જ પુરાવો મળ્યો નથી. તેથી તેણીને શોધવા માટે જિલ્લા પોલીસે આકાશ-પાતાળ એક કર્યા છે. પરંતુ તેણીની ભાળ કે કોઈ કડી મળી નથી. તેવા સમયે હવે રાજ્યની બહાર તપાસનો દોર લંબાવાયો છે. બીજી તરફ પીઆઈ અજય દેસાઈનો સીડીએસ ટેસ્ટ માટે પણ જિલ્લા પોલીસ વિચારી રહી છે. છેલ્લાં ૧૭ દિવસથી ભેદી સંજાેગોમાં ગુમ થનાર સ્વિટી પટેલની ભાળ મેળવવા માટે જિલ્લા પોલીસે દહેજ ગામની આસપાસના અંતરિયાળ ગામોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દહેજના અટાલી ગામના એક અવાવરુ મકાનમાંથી અને તેના પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળી આવ્યાં હતાં, જે હાડકાં માનવશરીરના છે કે કેમ? તેની તપાસ માટે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ હજુ સુધી આવેલ નથી, તેવા સમયે સ્વિટ પટેલનું કોઈપણ સંજાેગોમાં મૃત્યુ થયું હોવાની આશંકા સાથે રાજ્યના વિવિધ કૂવાઓ, રેલવે ટ્રેક, અવાવરું સ્થળો સહિતની જગ્યાઓ ઉપર પોલીસની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ ફળદાયી હકીકત જાણવા મળી નથી. ત્યારે જિલ્લા પોલીસેે તાજેતરમાં એસઓજી પીઆઈ અજય દેસાઈનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી જે બંનેની પોલીસને મંજૂરી આપી છે. ત્યારે પીઆઈ અજય દેસાઈને પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ માટે આવતીકાલે ગાંધીનગર ખાતે લઈ જનાર છે.