વડોદરા : સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે તેવા સમયે જીવલેણ મ્યુકોરમાઈકોસિસ તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. દિવસે ને દિવસે આ રોગના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે શહેરની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં નવા ૬ કેસ નોંધાયા હતા, જેથી દર્દીઓની કુલ સંખ્યા પ૯ ઉપર પહોંચી છે. જેમાં મ્યુકોરમાઈકોસિસના પોઝિટિવ ર૭ દર્દીઓ, ૧ દર્દી કોવિડ પોઝિટિવ મ્યુકોરમાઈકોસિસનો સમાવેશ થાય છે. જ્યારે શંકાસ્પદ મ્યુકોરમાઈકોસિસના ર૬ તથા શંકાસ્પદ મ્યુકોરમાઈકોસિસના ૪ દર્દીઓ તેમજ શંકાસ્પદ કોવિડ સાથે મ્યુકોરમાઈકોસિસના ર૩ દર્દીઓનો સમાવેશ થયો છે. જાે કે, આજે એક પણ દર્દીનું મોત થયું ન હતું. પરંતુ અત્યાર સુધી ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસની સારવાર દરમિયાન પાંચ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. હાલ પ૬ દર્દીઓ વોર્ડમાં દાખલ છે. જેમાં બે ઓક્સીજન ઉપર, એક બાયપેપ ઉપર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે સયાજી હોસ્પિટલમાં આજે વધુ નવા ૧૧ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે સયાજી હોસ્પિટલમાં કુલ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા ૧૮૫ ઉપર પહોંચી હતી. જેમાં ૩પ દર્દીઓના બાયોપ્સી સેમ્પલો લેવામાં આવ્યાં હતાં. આજે લોકલ એનેસ્થેસિયા દ્વારા ૩૦ દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. અલબત્ત, આજે દિવસ દરમિયાન ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ૧૭ નવા કેસ નોંધાયા હતા. આ સાથે બંને હોસ્પિટલોમાં કુલ ૨૪૪ દર્દીઓ હાલમાં દાખલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. જાે કે, આજે એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી કે કોઈ દર્દીનું મોત થયું ન હતું એમ સૂત્રોએ જણાવ્યું હતું.