વડોદરા : તાજેતરમાં રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા રાજ્યમાં દારૂબંધીના મુદ્દે થયેલા આક્ષેપોમાં રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયમાં દારૂબંધી હોવાની ગુલબાંગો હાંકી હતી જેની હાંસી ઉડાવતો કિસ્સો સપાટી પર આવ્યો છે. જિલ્લા પોલીસે આજે ભાયલી ગામમાં દરોડો બિયરના ૨૧૬ ટીન સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. દરમિયાન આ વિદેશી દારૂનો જંગી જથ્થો વડોદરા જિલ્લા પંચાયતના ભાયલી બેઠકના સભ્યએ જ વેચાણ માટે મંગાવ્યો હોવાની વિગતો સપાટી પર આવતા દારૂબંધીના મુદ્દે રાજકિય બેડામાં વધુ એક વાર ગરમાવો આવ્યો છે. જિલ્લા પોલીસની એલસીબીની ટીમને આજે બપોરે ઈંટોલા-ચાણસદ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે ભાયલી ગામે જીઈબી ગોડાઉનવાળા ફળિયામાં રહેતો સંદિપ રાજુભાઈ પરમાર બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનું ગામમાં છુટ્ટક વેંચાણ કરે છે. આ વિગતોના પગલે એલસીબીની ટીમે પંચો સાથે સંદિપ પરમારના દરોડો પાડ્યો હતો. દરોડામાં દરમિયાન સંદિપ તેના ઘરે મળતા પોલીસે તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરી હતી જેમાં તેના ઘરમાંથી બિયરના ૨૧૬ ટીન મળી આવ્યા હતા. 

જંગી પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપાયેલા સંદીપની પોલીસે પુછપરછ કરી હતી જેમાં તેણે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે તેના ગામમાં રહેતા વડોદરા જિલ્લા પંચાયતના ભાયલી બેઠકના ભાજપાના સભ્ય ગોરધનભાઈ રામાભાઈ પાટણવાડિયાએ આ દારૂનો જથ્થો મંગાવ્યો છે અને તેમના કહેવા મુજબ હું દારૂનો જથ્થો મારા ઘરે રાખી તેનું છુટ્ટક વેંચાણ કરું છું. આ વિગતોના પગલે પોલીસે કુલ ૨૩,૭૬૦ રૂપિયાનો બિયરનો જથ્થો જપ્ત કરી સંદીપ પરમાર તેમજ ભાજપાના સદસ્ય ગોરધન પાટણવાડિયા વિરુધ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ગોરધન પાટણવાડિયાને વોન્ટેડ જાહેર કર્યા છે.

ભાજપા અગ્રણીની સંડોવણી હોવા છતાં એલસીબીએ દરોડા કર્યા!

એલસીબીની ટીમ દ્વારા થતી કામગીરી અને દરોડાની વિગતો અને આરોપીઓના તેમજ મુદ્દામાલના ફોટા એલસીબીના પીઆઈ ડી બી વાળા તેમજ અન્ય કર્મચારીઓ તુરંત સોશ્યલ મિડિયા મારફત માધ્યમોને પહોંચાડતા હોય છે અને ગઈ કાલે અલ્હાદપુરા ગામના દરોડો અને હત્યા કેસના ફરાર આરોપીની ધરપકડની વિગતો પણ માધ્યમોને આપી હતી. જાેકે આ દરોડામાં ભાજપાના સદસ્ય ખુદ આરોપી હોઈ જિલ્લા પોલીસની એલસીબીની ટીમના હાથ આ વિગતો આપવા માટે ધ્રુજતા હોય તેમ આ દરોડાની ચોક્કસ કારણોસર મોડી રાત સુધી વિગતો માધ્યમોથી છુપાવી હતી.