ગાંધીનગર-

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આજે 14 દિવસ બાદ કુલ 4.25 લાખ ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. મહત્વની જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર સમગ્ર સિઝન દરમિયાન કુલ 2.60 લાખ મેટ્રિક ટન જથ્થો ખરીદવા બાબતે પ્રાથમિક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જ્યારે મગફળીની ખરીદી બાદ બે હજાર જેટલા ગોડાઉનમાં મગફળી સંગ્રહ કરવામાં આવશે ત્યારે આ દરમિયાન કોઈપણ પ્રકારનું કૌભાંડ ન સર્જાય તે માટે ત્રણ જેટલા અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે અને ખરીદી લીધાના સ્થળ ઉપર આ ત્રણેય અધિકારીઓ ઉપરાંત સીસીટીવીના નેટવર્ક પણ ગોઠવવામાં આવશે.

ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સરકારે 1 ઓક્ટોબરથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં આજે 14 દિવસમાં કુલ 4.25 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન મગફળીના વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે હજુ પણ છ દિવસ બાકી છે ત્યારે ગત વર્ષ કરતાં આ આંકડો વધે તેવી પણ શક્યતાઓ રાજ્યના પુરવઠા કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાએ વ્યક્ત કરી હતી. ટેકાના ભાવની વાત કરીએ તો કેબિનેટપ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે મગફળી પ્રતિ મણ 1055 રૂપિયાના ભાવથી ખરીદી કરવામાં આવશે. જેની સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ બે વર્ષથી મગફળી ખરીદી કરતી આવી છે, અને નોડલ એજન્સી તરીકે કામ કરશે. ત્યારે 5275 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે તમામ સેન્ટરો પર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મહેસૂલ અને કૃષિ વિભાગ પાસેથી વધારાનો સ્ટાફ લઈને પણ લાભ પાંચમથી ખરીદી શરૂ કરવામાં આવશે. આવનાર દિવસોમાં મગફળી ખરીદીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.કોરોના કાળમાં મગફળીની ખરીદી વખતે સંક્રમણ ન થાય તે માટે પણ રાજ્ય સરકારે આગમચેતીથી આયોજન કર્યું છે. જેમાં શરૂઆતના દિવસોમાં ગણતરીના 50 જેટલા ખેડૂતોને જ અગાઉથી જાણ કરીને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવશે. આ ઉપરાંત જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે. જ્યારે ચાલુ વર્ષે 25 કિલો મગફળી બરદાનમાં ભરવામાં આવશે અને બારદાન ખર્ચ, ગોડાઉન અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ સરકાર ઉઠાવશે.